Elon Musk - Mukesh Ambani : દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્ક તેના સ્ટારલિંક સેટેલાઇટ બ્રોડબેન્ડને ભારતમાં લાવવા આતુર છે. સ્ટારલિંક ક્રાંતિકારી ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. તેને જમીન પર ટાવર લગાવવાની જરૂર નથી. ઈન્ટરનેટ સેવા સીધી સેટેલાઇટથી ઉપલબ્ધ થાય છે. જો સ્ટારલિંક ભારતમાં આવશે તો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી વચ્ચે બિઝનેસ વોર છેડાઈ શકે છે. અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે અને રિલાયન્સ જિયો ભારતની ટોચની ટેલિકોમ કંપની છે.


પીએમ મોદી સાથે મસ્કની મુલાકાત


ઇલોન મસ્કે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ બાદ મસ્કે કહ્યું હતું કે, તેઓ ભારતમાં સ્ટારલિંક લોન્ચ કરવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું હતું કે, સ્ટારલિંક ભારતના દૂરના ગામડાઓમાં અવિશ્વસનીય રીતે મદદ કરી શકે છે જ્યાં ઇન્ટરનેટ નથી અથવા ઓછી સ્પીડ છે.


બે ધનિકો વચ્ચે લડાઈ માટનું મેદાન તૈયાર


જો કે, તેમણે સરકારને સેટેલાઇટ બ્રોડબેન્ડ સ્પેક્ટ્રમના વિતરણને લઈને સ્ટારલિંક અંબાણીની રિલાયન્સ સાથે કેવી રીતે વિવાદમાં છે તે વિશે વાત કરી નહોતી. તેનાથી વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં સેટેલાઇટ સેવાઓને લઈને વિશ્વના બે સૌથી ધનવાન વ્યક્તિઓ વચ્ચેની લડાઈનો તખ્તો તૈયાર થઈ ગયો છે.


સ્ટારલિંકનું શું છે પ્લાનિંગ?


સ્ટારલિંક કહે છે કે, સ્પેક્ટ્રમની હરાજી કરવાને બદલે ભારતે વૈશ્વિક વલણ મુજબ લાયસન્સ ફાળવવા જોઈએ. સ્ટારલિંકનું કહેવું છે કે, તે એક પ્રાકૃતિક સંસાધન છે, જેને કંપનીઓ સાથે શેર કરવું જોઈએ. આ મહિને ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કંપનીના પેપર્સે જણાવ્યું હતું કે, હરાજી પર ભૌગોલિક નિયંત્રણો લાદવામાં આવી શકે છે, જે ખર્ચમાં વધારો કરશે.


રિલાયન્સ મસ્ક સાથે સહમત નથી


રિલાયન્સ સ્ટારલિંક સાથે અસંમત છે. તેમણે જાહેરમાં સ્પેક્ટ્રમની હરાજી કરવાની વાત કરી છે. રિલાયન્સે જણાવ્યું હતું કે, વિદેશી સેટેલાઇટ સર્વિસ પ્રોવાઇડર્સ વૉઇસ અને ડેટા સર્વિસ ઑફર કરી શકે છે અને સ્થાનિક ટેલિકોમ કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકે છે. એટલા માટે બધાને સમાન તક આપવા માટે હરાજી થવી જોઈએ. મસ્કે વર્ષ 2021માં પણ ભારતમાં સ્ટારલિંક લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો.


Jioના 439 મિલિયન યુઝર્સ


અંબાણી માટે સેટેલાઇટ બ્રોડબેન્ડમાં વિદેશી સ્પર્ધાને અટકાવવી મુશ્કેલ નહીં હોય. તેની રિલાયન્સ જિયો પાસે પહેલેથી જ 439 મિલિયન ટેલિકોમ યુઝર્સ છે, જે તેને માર્કેટ લીડર બનાવે છે. Jio પાસે 8 મિલિયન વાયર્ડ બ્રોડબેન્ડ કનેક્શન છે, જે 25 ટકા માર્કેટ શેર છે.