Stock Market Closing, 18th July, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો દિવસ મંગળવાર મંગળમય રહ્યો. આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચ બનાવી. આજે સેન્સેક્સ પ્રથમ વખત 67 હજારની ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળ્યો હતો, જોકે ઉપલા લેવલથી પ્રોફિટ બુકિંગ આવતાં બજાર થતાં ઘટીને 67 હજારની અંદર બંધ થયો હતો. આજે માર્કેટમાં વધારો થવા છતાં રોકણકોરાની સંપત્તિ ઘટી છે. ગઈકાલે રોકાણકારોની સંપત્તિ 303.88 લાખ કરોડ હતી, જે આજે 303.11 લાખ કરોડ થઈ છે.
આજે સેન્સેક્સ 205.21 પોઈન્ટ વધીને 66,795.14 પોઈન્ટ પર અને નિફ્ટી 37.80 પોઈન્ટ વધીને 17,749.25 પોઈન્ટ પર બંધ રહ્યા. આ પહેલા ગત બે કારોબારી સત્રમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો થયો હતો.
નિફ્ટીના વધનારા-ઘટનારા શેર્સ
આજે 1384 શેર વધ્યા, 1958 શેર ઘટ્યા અને 118 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેકનોલોજી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને હીરો મોટોકોર્પ નિફ્ટીના ટોચના વધનારા હતા, જ્યારે એલટીઆઈ માઈન્ડ ટ્રી, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી લાઈફ અને ટાઈટન નિફ્ટીના ઘટનારા મુખ્ય શેર્સ હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ સપાટ સ્તરે બંધ થયો હતો.
આજના ટ્રેડમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેર લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સના 30 શેરમાંથી 15 શેર વધારા સાથે અને 15 ઘટાડા સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 20 તેજી સાથે અને 30 ઘટાડા સાથે બંધ થયા.
માર્કેટ કેપમાં ઘટાડો
શેરબજાર વધારા સાથે બંધ થયું હોવા છતાં બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના શેરના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે કારોબારી દિવસના અંતે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 303.11 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે સોમવારના કારોબારમાં 303.88 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આજના ટ્રેડમાં માર્કેટ કેપમાં 77000 કરોડ રૂપિયાનો ઘટડો થયો.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ
શેરબજારની આજની શરૂઆતે BSEનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 239.03 પોઈન્ટ અથવા 0.36 ટકાના વધારા સાથે 66,828.96 ના સ્તરે ખૂલ્યો હતો, જે તેની ઐતિહાસિક સર્વોચ્ચ સપાટી હતી. આ સિવાય એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 76.05 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 19,787.50 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે. આ પણ તેનો નવો રેકોર્ડ હાઈ હતો.