Stock Market Closing, 19th May, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ દિવસ શાનદાર રહ્યો. આજે શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી આવતી મંદી પર બ્રેક લાગી હતી. દિવસના અંતે શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. અદાણી એન્ટરપ્રાઇઝ ટોપ ગેઇનર્સ હતો. આજના વધારા સાથે રોકાણકારોની સંપત્તિ 276.59 લાખ કરોડ થઈ છે, જે ગુરુવારે 275.82 લાખ કરોડ હતી.

આજે બજારમાં કેટલા પોઇન્ટનો થયો સુધારો

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 297.94 પોઇન્ટના વધારા સાથે 61729.68 પોઇન્ટ પર અને નિફ્ટી 73.45 પોઇન્ટ વધીને 18203.40 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સેન્સેક્સમાં 900થી વધુ પોઇન્ટનું ગાબડું પડ્યું હતું. ગુરુવારે સેન્સેક્સ 128.9 પોઇન્ટના ઘટાડા અને નિફ્ટી 51.8 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા બુધવારે સેન્સેક્સ 371.83 પોઇન્ટના ઘટાડા અને નિફ્ટી 104.75 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા. મંગળવારે સેન્સેક્સ આજે 431.24 પોઈન્ટ અને નિફ્ટી 125.7 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સોમવારે સેન્સેક્સમાં 317.81 પોઇન્ટનો અને નિફ્ટીમાં 84.05 પોઇન્ટનો વધારો થયો હતો.

આજે કેમ આવી તેજી

ત્રણ દિવસ લાલ નિશાનમાં બંધ થયા બાદ શુક્રવારે શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બેંકિંગ અને અદાણીના શેરમાં ખરીદદારી નીકળતાં બજારમાં તેજી જોવા મળી.


સેક્ટર અપડેટ

આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ફાર્મા, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા, જ્યારે નિફ્ટીના 50માંથી 30 શેરો ઉછાળા સાથે અને 20 નુકસાન સાથે બંધ થયા હતા.

વધેલા ઘટેલા શેર્સ

આજના વેપારમાં ટાટા મોટર્સ 3.22 ટકા, ટેક મહિન્દ્રા 2.30 ટકા, ઇન્ફોસિસ 1.84 ટકા, એચસીએલ ટેક 1.31 ટકા, મહિન્દ્રા 1.04 ટકા, વિપ્રો 0.88 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે NTPC 1.06 ટકા, એશિયન પેઇન્ટ્સ 0.77 ટકા, ટાઇટન  0.66 ટકા અને પાવર ગ્રીડ 0.55 ટકા ઘટીને બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં વધારો

આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 276.59 લાખ કરોડ થયું છે, જે ગુરુવારે રૂ. 275.85 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 74000 કરોડનો ઉછાળો આવ્યો છે.

 


સવારે કેવી થઈ હતી શરૂઆત

વૈશ્વિક સંકેતોને કારણે આજે શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. BSE સેન્સેક્સ 125 પોઈન્ટના ઉછાળા સાથે 61,556 પર ખુલ્યો અને નિફ્ટી 56 પોઈન્ટના ઉછાળા સાથે 18,186 પોઈન્ટ પર ખુલ્યો. લગભગ 1335 શેર વધ્યા, 631 શેર ઘટ્યા અને 109 શેર યથાવત રહ્યા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકામાં
BSE Sensex 61,736.69 61,784.61 61,251.70 0.50%
BSE SmallCap 29,749.93 29,878.41 29,534.85 -0.16%
India VIX 12.30 12.82 11.69 -3.85%
NIFTY Midcap 100 32,550.35 32,616.25 32,232.40 -0.06%
NIFTY Smallcap 100 9,891.70 9,925.55 9,790.70 0.02%
NIfty smallcap 50 4,460.35 4,483.05 4,415.60 -0.12%
Nifty 100 18,060.35 18,074.50 17,911.70 0.41%
Nifty 200 9,505.00 9,512.10 9,425.05 0.35%
Nifty 50 18,203.40 18,218.10 18,060.40 0.41%

હિંડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને મોટી રાહત

અદાણી જૂથ સામે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ કેસમાં, સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તે એવા નિષ્કર્ષ પર પહોંચી શકી નથી કે શેરબજારમાં હેરાફેરી પર નજર રાખવામાં સક્ષમ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિને આ જૂથ સામેની તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી. સુપ્રીમ કોર્ટની એક્સપર્ટ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપ દ્વારા શેરના ભાવમાં હેરાફેરીના કોઈ પુરાવા મળ્યા નથી. આ સાથે નિષ્ણાત સમિતિએ પોતાના તપાસ રિપોર્ટમાં કહ્યું છે કે અદાણી ગ્રુપે સ્ટોક એક્સચેન્જને તમામ જરૂરી માહિતી આપી હતી. ગ્રુપના શેર પહેલેથી જ વધારાના સર્વેલન્સ મેઝર્સની દેખરેખ હેઠળ હતા. તમને જણાવી દઈએ કે સેબી દ્વારા ઈડીને આપવામાં આવેલા રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી. અદાણી ગ્રુપ માટે આ મોટી રાહતના સમાચાર છે.