Stock Market Closing, 21 December, 2022: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ નિરાશાજનક રહ્યો. સેન્સેક્સ 600થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને ઈન્ડસઇન્ડ બેંક ટોપ લૂઝર્સ રહ્યા.
ચીનમાં કોરોનાના વધતા જતા કેસ અને આ અંગે ભારત સરકારની સમીક્ષા બેઠકની અસર શેરબજાર પર જોવા મળી હતી. પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 61000 પોઈન્ટની નીચે અને નિફ્ટી 18,200ની નીચે સરકી ગયો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 635 પોઈન્ટના ઘટાડા સાથે 61,067 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 186 પોઈન્ટના ઘટાડા સાથે 18,199 પોઈન્ટ પર બંધ થયો હતો.
રોકાણકારોના કેટલા ડૂબ્યાં
સેન્સેક્સમાં 600 પોઇન્ટથી વધારે કડાકો બોલાતાં રોકાણકારોના 4 લાખ કરોડથી વધારે રૂપિયા સ્વાહા થઈ ગયા હતા. બજારમાં અચાનક આવેલા આ ઘટાડામાં બેન્કિંગ, એફએમસીજી, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ્સ, ઓટો, ઈન્ફ્રા સેક્ટરના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ફાર્મા, ઓટો, હેલ્થકેર સેક્ટરના શેરમાં જ ખરીદારી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી 772 પોઈન્ટ અથવા 1.78 ટકા ઘટીને બંધ રહ્યો હતો.
વધનારા શેરો
ફાર્મા શેરોમાં આજે બજારમાં સૌથી વધુ તેજી રહી, આવી સ્થિતિમાં સન ફાર્મા 1.69 ટકાના વધારા સાથે બંધ થયો છે. આ સિવાય HCL ટેક 0.99 ટકા, TCS 0.74 ટકા અને નેસ્લે 1 ટકાના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ ઇન્ડસઇન્ડ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફિનસર્વ અને એક્સિસ બેન્કના શેર ઘટીને બંધ થયા હતા.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 61702.29ની સામે 291.42 પોઈન્ટ વધીને 61993.71 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 18385.3ની સામે 49.85 પોઈન્ટ વધીને 18435.15 પર ખુલ્યો હતો.
FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 455.94 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ 20 ડિસેમ્બરે રૂ. 494.74 કરોડના શેરની ચોખ્ખી ખરીદી કરી છે.
NSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
નેશનલ સ્ટોક એક્સચેન્જે ડેલ્ટા કોર્પ, જીએનએફસી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, આઈઆરસીટીસી અને પંજાબ નેશનલ બેંકને તેની F&O પ્રતિબંધ સૂચિ હેઠળ 21 ડિસેમ્બર માટે જાળવી રાખ્યા છે. આ રીતે F&O સેગમેન્ટ હેઠળ પ્રતિબંધિત સિક્યોરિટીઝમાં એવી કંપનીઓનો સમાવેશ થાય છે જ્યાં ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ માર્કેટના 95 ટકાને વટાવી ગયા છે.