Stock Market Closing, 24th February, 2023: ભારતીય શેરબજારમાં સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ પણ નિરાશાજનક રહ્યો. ચાલુ સપ્તાહના સતત પાંચમા અને સળંગ છઠ્ઠા કારોબારી દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. આજના ઘટાડા સાથે રોકાણકારોની સંપત્તિ પણ ઘટીને 260.06 લાખ કરોડ થઈ છે.
આજે કેટલો થયો ઘટાડો
આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 141.87 પોઇન્ટના ઘટાડા સાથે 59,463.93 પોઇન્ટ પર, નિફ્ટી 54.32 પોઇન્ટ ઘટીને 18363.76 અંક પર બંધ થયા. ગુરુવારે સેન્સેક્સ 139.18 પોઇન્ટના ઘટાડા સાથે 59,605.80 પોઇન્ટ, નિફ્ટી 36.68 પોઇન્ટના ઘટાડા સાથે 18,418.72 પોઇન્ટ પર બંધ રહ્યો. બુધવારે સેન્સેક્સ 927.78 પોઇન્ટના કડાકા સાથે 59,744.98 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 289.58ના ઘટાડા સાથે 18,455 પર બંધ રહી. મંગળવારે સેન્સેક્સ 18.82 પોઇન્ટના ઘટાડા સાથે 60,672.75 પોઇન્ટ પર બંધ રહ્યો. નિફ્ટી 17.90 પોઇન્ટના ઘટાડા સાથે 17,826.70 પર બંધ રહી હતી. સોમવારે સેન્સેક્સ 311.03 પોઇન્ટના ઘટાડા સાથે 60,691.54પોઇન્ટ પર, નિફ્ટી 103.22 પોઇન્ટના ઘટાડા સાથે 18760.90 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. ગત સપ્તાહે શુક્રવારે પણ સેન્સેક્સ 300થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું હતું. છેલ્લા 6 કારોબારી દિવસમાં સેન્સેક્સમાં 1700થી પોઇન્ટનો ઘટાડો થયો છે.
શેરબજારમાં કેમ થઈ રહ્યો છે ઘટાડો
ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર અટકવાનું નામ નથી લઈ રહ્યો. અદાણી ગ્રૂપના હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ આવ્યા બાદ બજારના બગડતા મૂડને કારણે બજારમાં સતત પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે, જેમાં આ સપ્તાહે પાંચમા સત્રમાં બજાર ઘટાડા સાથે બંધ થયું છે.
આજના કારોબારમાં સૌથી વધારે ઘટાડો મેટલ, કોમોડિટી અને ઓટો શેરમાં જોવા મળ્યો. આ ઉપરાંતલ રિયલ્ટી, પાવર, ટેલીકમ્યુનિકેશન, ફાયનાન્સિયલ સર્વિસ, એફએમસીજી શેરના ઈન્ડેક્સ પણ લાલ નિશાનમાં બંધ થયા. બીએસઈનો મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ આશરે 0.15 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા.
રોકાણકારોની સંપત્તિ
સળંગ છઠ્ઠા કારોબારી દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું છે. આ છ દિવસમાં રોકાણકારોને આશરે 8.23 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે. માત્ર આજના કારોબારી દિવસે રોકાણકારોને 75 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આજે સવારે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59605.8ની સામે 253.68 પોઈન્ટ વધીને 59859.48 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17511.25ની સામે 80.10 પોઈન્ટ વધીને 17591.35 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40001.55ની સામે 257.55 પોઈન્ટ વધીને 40259.1 પર ખુલ્યો હતો.