Stock Market Closing,27th January, 2023: ભારતીય શેર બજાર માટે શુક્રવારનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો. આજે સેન્સેક્સમાં એક તબક્કે 1200થી વધુ પોઇન્ટનો કડાકો બોલ્યો હતો, જોકે કારોબારી દિવસના અંત થોડી રિકવરી આવી હતી. બે દિવસમાં સેન્સેક્સમાં 1600 પોઇન્ટનો કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોના 12 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે. 


સેન્સેક્સ કેટલા પોઇન્ટના ઘટાડા સાથે બંધ


આજે સેન્સેક્સ 874.16 પોઇન્ટના ઘટાડા સાથે પોઇન્ટ 59,330.90 પર અને નિફ્ટી 287.6 પોઇન્ટના ઘટાડા સાથે 17604.35 પોઇન્ટ પર બંધ રહ્યા. ગુરુવારે પ્રજાસત્તાક પર્વના દિવસે શેરબજાર બંધ હતું. બુધવારે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 773.69 પોઇન્ટના કડાકા સાથે 60205.06 પોઇન્ટ પર અને નિફ્ટી 206.8 પોઇન્ટના ઘટાડા સાથે 17911.60 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.


રોકાણકારોને નુકસાન


માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.90 લાખ કરોડ થયું છે. જે બુધવારે 276.69 લાખ કરોડ હતું. ગુરુવારે પ્રજાસત્તાક પર્વના કારણે શેરબજાર બંધ હતું. મંગળવારે માર્કેટ કેપ રૂ. 280.37 લાખ કરોડ હતી.  




શેરબજારમાં કડાકાના 5 કારણો



  • માર્કેટમાં ઘટાડાનું કારણ અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો છે. અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપના શેરો વેચવાના અહેવાલને પગલે બુધવારથી અદાણી ગ્રૂપના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ ગ્રૂપના શેરોમાં ઘટાડાની પ્રક્રિયા ચાલુ રહી હતી. ઘણી સ્થાનિક કંપનીઓના ત્રિમાસિક પરિણામો નિરાશાજનક રહ્યા છે. તેના કારણે ભારતીય બજારોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીઓના નિરાશાજનક પરિણામોએ બજારનો મૂડ બગાડ્યો છે. નબળા પરિણામોના કારણે ડિક્શન ટેક્નોલોજીનો સ્ટોક 20 ટકા નીચે ગયો છે.

  • આવતા અઠવાડિયે, મોદી સરકાર 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ બીજા કાર્યકાળનું પાંચમું અને છેલ્લું સામાન્ય બજેટ રજૂ કરશે. બજારને અપેક્ષા છે કે વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને તેની ખાધ ઘટાડવા માટે વધુ ખર્ચ કરશે. જો બજેટ બજારની અપેક્ષાઓ પર ખરું ન ઊભું થાય તો ઘટાડો વધી શકે છે. એટલા માટે માર્કેટમાં ભયનું વાતાવરણ છે, જેના કારણે ઘટાડો વધ્યો છે.

  • યુનાઈટેડ નેશન્સે 2023 કેલેન્ડર વર્ષમાં ભારતના વિકાસ દરના અંદાજમાં ઘટાડો કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ તેના અનુમાનમાં 2023માં જીડીપી 5.8 ટકા રહેવાની આગાહી કરી છે. જ્યારે 2022માં જીડીપી 6.4 ટકા રહેવાનો અંદાજ હતો.

  • વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં વેચાણ કરી રહ્યા છે. ઘણા નિષ્ણાતો માને છે કે ભારતીય બજારનું વેલ્યુએશન મોંઘું થઈ ગયું છે, તેથી રોકાણકારો ભારતમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને ચીનમાં રોકાણ કરી રહ્યા છે જે સસ્તું થઈ ગયું છે. ચીન લોકડાઉનને લઈને લાદવામાં આવેલા નિયંત્રણો પરત લઈ રહ્યું છે. જેના કારણે ત્યાં આર્થિક રિકવરી ઝડપી થઈ શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો વેચવાલી કરી રહ્યા છે.

  • અમેરિકામાં ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન આર્થિક વૃદ્ધિ દર 2.9 ટકા રહ્યો છે, જે અપેક્ષા કરતાં વધુ સારો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું હતું કે જીડીપી 2.3 ટકા પર રહી શકે છે. આનો અર્થ એ છે કે યુએસ સેન્ટ્રલ બેંક તેની નાણાકીય નીતિને વધુ કડક રાખવાનું વલણ જાળવી શકે છે. એટલે કે ફેડ વ્યાજદરમાં વધારો કરવાની પ્રક્રિયા ચાલુ રાખી શકે છે.


આ પણ વાંચોઃ શેરબજારમાં કડાકા વચ્ચે ન કરો આ ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન