Stock Market Closing, 3rd July, 2023: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઈતિહાસ રચાયો હતો. સેન્સેક્સ પ્રથમ વખત 65 હજારને પાર બંધ રહ્યો. આજે રોકાણકારોની ખરીદી અને મેન્યુફેક્ચરિંગ પીએમઆઇના સારા આંકડાના કારણે શેરબજારમાં તેજી આવી. નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીએ બંધ રહી. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 298.21 લાખ કરોડની નવી ટોચ પર પહોંચી છે. આજે તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા.
આજે સવારે માર્કેટની તેજી સાથે શરૂઆત થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક 486.49 પોઇન્ટના વધારા સાથે 65,205.05 પોઇન્ટ પર અને નિફ્ટી 135.5 પોઇન્ટ વધીને 19322.55 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બજાજ ફાયનાન્સ નિફ્ટીના ટોપ ગેઇનર્સ હતા, જ્યારે બજાજા ઓટો, પાવરગ્રીડ, સન ફાર્મા, સિપ્લા અને મારુતિ સુઝીકી ટોપ લુઝર્સ હતા.
સેક્ટરોલ અપડેટ
આજના વેપારની સૌથી મોટી વિશેષતા એ રહી છે કે નિફ્ટી બેંક પણ પ્રથમ વખત 45,000ને પાર કરવામાં અને તેની ઉપર બંધ કરવામાં સફળ રહી છે. નિફ્ટી બેન્ક 410 પોઈન્ટ અથવા 0.92 ટકાના વધારા સાથે 45,158 પોઈન્ટ પર બંધ થયો હતો. આ સિવાય એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઈન્ફ્રા, મીડિયા, રિયલ એસ્ટેટ સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. જ્યારે ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. નિફ્ટીના મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ ઝડપથી બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 વધ્યા અને 15 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 24 શેર લીલા નિશાનમાં અને 26 લાલ નિશાનમાં બંધ થયા હતા.
આજે 1910 શેર વધ્યા, 1688 શેર ઘટ્યા અને 138 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો. મેટલ, ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, પીએસયુ બેંક સેક્ટર 1 થી 3 ટકા વધ્યા, જ્યારે આઈટી અને ફાર્મામાં 1 ટકા સુધીનો ઘટાડો થયો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યા.
રોકાણકારોની સંપત્તિમાં કેટલો થયો વધારો
શુક્રવારે BSEનું માર્કેટ કેપ વરૂ. 296.46 લાખ કરોડ હતું, જે આજે વધીને 298.21 લાખ કરોડ થયું છે. એટલે કે રોકાણકારોની સંપત્તિમાં 1.75 લાખ કરોડનો વધારો થયો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
શેરબજારમાં ધમાકેદાર ઓપનિંગના સંકેતો આજે પ્રી-ઓપનિંગથી જ મળ્યા હતા. માર્કેટના પ્રી-ઓપનિંગમાં નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો અને બેન્ક નિફ્ટી પણ રેકોર્ડ હાઈ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે સવારે સેન્સેક્સ 282.85 પોઈન્ટ 65,001.41 પર અને નિફ્ટી 81.30 પોઈન્ટ વધીને 19,270.30 પર ખૂલ્યા હતા.