Stock Market Closing, 22st September 2022: ભારતીય શેર બજાર આજે સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયાં છે. BSEનો સેન્સેક્સ 0.6 ટકા એટલે કે 338 પોઈન્ટના ઘટાડા સાથે 59,119 પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 0.5 ટકા એટલે કે 89 પોઈન્ટના ઘટાડા સાથે 17630 પર બંધ થયો છે.
 
આજના સૌથી વધુ ધોવાયેલા શેરમાં BAJAJFINSV, HDFC, HDFCBANK, WIPRO, ICICIBANK, HCLTECH, INFY, SBIનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, સેન્સેક્સે 59000ની સપાટી સતત ધોવાણ બાદ પણ જાળવી રાખી છે.


ગઈકાલે ભારતીય શેર બજાર લાલ નિશાન પર બંધ થયા બાદ આજે પણ સમગ્ર દિવસ દરમિયાન શેર બજાર લાલ નિશાન પર રહ્યું છે. યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાને કારણે સમગ્ર વિશ્વના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. મહત્વનું છે કે, ભારતીય બજારોની શરૂઆત આજે ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સમાં 445.37 પોઇન્ટ એટલે કે, 0.75 ટકા ઘટીને 59,011.41 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 85.75 પોઇન્ટ એટલે કે, 0.48 ટકા ઘટીને 17621.25ના સ્તર પર ખુલ્યો હતો. 


સેન્સેક્સમાં થયો સતત ઘટાડોઃ


શેર બજારમાં ઘટાડા સાથે થયેલી શરુઆતનો ટ્રેન્ડ દિવસ દરમિયાનના સોદાઓમાં જોવા મળ્યો હતો. રોકાણકારોની સતત વેચવાલીના કારણે BSEનો સેન્સેક્સ બપોરે 12.45 વાગ્યે દિવસની સર્વોત્તમ નિચલી સપાટીએ એટલે કે, 58,839.45 પર પહોંચી ગયો હતો. જો કે, બાદમાં રિકવરી જોવા મળી હતી અને સેન્સેક્સ 59,448ની સપાટી પર પહોંચ્યો હતો. જો કે, આ રિકવરી લાંબી ના ચાલી અને પછી સતત સેન્સેક્સ લાલ નિશાન પર રહ્યો હતો.


બીજી તરફ સુચકઆંક નિફ્ટીમાં પણ કારોબારી દિવસ દરમિયાન ઘટાડો જોવા મળ્યો હતો. લાલ નિશાન પર ખુલ્યા બાદ નિફ્ટી બપોરે 12 વાગ્યા પછી 17,550ની સપાટી પર પહોંચી ગયો હતો. જો કે બાદમાં થોડી રિકવરી થઈ હતી. પરંતુ ત્યાર બાદ સતત વેચવાલી રહેતાં નિફ્ટી પણ ઘટાડા સાથે બંધ થયો હતો. 


વૈશ્વિક બજારમાં કડાકો


મુખ્ય એશિયન બજારોમાં આજના કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આ પહેલા અમેરિકી બજારો પણ ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. યુએસ ફેડે ફરી એકવાર વ્યાજ દરમાં 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. સાથે જ દરમાં વધારો ચાલુ રાખવાનો સંકેત આપવામાં આવ્યો છે. બુધવારે ડાઉ જોન્સમાં 522.45 પોઈન્ટની નબળાઈ જોવા મળી હતી અને તે 30,183.78 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.71 ટકા ઘટીને 3,789.93 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેકમાં 1.79 ટકાની નબળાઈ હતી અને તે માત્ર 11,220.19 પર બંધ રહ્યો હતો.