Stock Market Crash: ભારતીય શેરબજારમાં આજે ભૂકંપ આવ્યો છે અને સેન્સેક્સ-નિફ્ટીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં આજે 1000 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટી પણ 300 પોઈન્ટ તોડીને ટ્રેડ કરી રહ્યો છે. આ બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી આજે 1.5 ટકાથી વધુ તૂટીને કારોબાર કરી રહ્યા છે. રોકાણકારો ભારે ખોટનો સામનો કરી રહ્યા છે અને કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાંથી રૂ. 5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


બજારની સ્થિતિ કેવી છે - કેટલો ઘટાડો છે


શેરબજારમાં આજે ચારે બાજુ લાલ નિશાન જોવા મળી રહ્યું છે. BSE સેન્સેક્સ 1,013.22 પોઈન્ટ્સ અથવા 1.52 ટકા ઘટીને 65,446.09 ના સ્તરે પહોંચ્યો હતો. NSE નો નિફ્ટી 300.60 પોઈન્ટ અથવા 1.52 ટકાના ઘટાડા સાથે 19,432.95 ના સ્તર પર આવી ગયો છે.


બેન્ક નિફ્ટીમાં પણ જબરદસ્ત ઘટાડો થયો


બેન્ક નિફ્ટીમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે તે 800 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. બેન્ક નિફ્ટી 863 પોઈન્ટ અથવા 1.89 ટકાના ઘટાડા સાથે 44,729 ના સ્તર પર આવી ગયો છે.


રોકાણકારોએ પાંચ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા


આજના જબરદસ્ત ઘટાડામાં રોકાણકારોએ રૂ. 5 લાખ કરોડથી વધુ ગુમાવ્યા છે અને તેમની મૂડીમાં રૂ. 5 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. ગઈકાલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 306.80 લાખ કરોડ હતું, જે આજે ઘટીને રૂ. 301.69 લાખ કરોડ થયું છે.


બજારના તમામ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ઘટાડાનું લાલ નિશાન જોવા મળ્યું હતું. એક પણ ક્ષેત્રમાં તેજી જોવા મળી નથી. આ સિવાય સેન્સેક્સના શેર પર નજર કરીએ તો 30માંથી માત્ર 3 શેરોમાં જ તેજી જોવા મળી રહી છે. બીજી તરફ નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર ચારમાં જ તેજી જોવા મળી હતી અને બાકીના 46 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.


સ્થાનિક શેરબજારમાં આજે ચારેબાજુ ઘટાડો જોવા મળી રહ્યો છે અને માર્કેટમાં કુલ 3689 શેરોમાંથી માત્ર 1062 શેરોમાં જ તેજી જોવા મળી છે. જ્યારે 2491 શેરોમાં ઘટાડાનું લાલ નિશાન છે. 136 શેરો એવા છે જે કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે.


આ શેરમાં સૌથી મોટો ઘટાડો થયો


બુધવારે શેરબજારમાં આવેલા મોટા ઘટાડાથી ઘણી મોટી કંપનીઓના શેરોમાં રોકાણ કરનારા રોકાણકારોને આંચકો લાગ્યો છે. જે સ્ટોક્સમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો તેમાં હીરો મોટોકોર્પ લિમિટેડ (−3.86%), બજાજ ફિનસર્વ લિમિટેડ (−2.72%), ટાટા સ્ટીલ લિમિટેડ (−3.37%), NTPC લિમિટેડ (-2.64%) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (-1.20%)નો સમાવેશ થાય છે.


બજારમાં ઘટાડાનું આ છે મુખ્ય કારણ છે


ભારતીય શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા પાછળના કારણોની વાત કરીએ તો રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સ દ્વારા અમેરિકાનું સોવરિન રેટિંગ ઘટાડવાના સમાચારે બજારોમાં હલચલ મચાવી દીધી છે.