Stock Market : અમેરિકા દ્વારા ભારત પર 5૦ ટકા ટેરિફ લાદવાના એક દિવસ પહેલા જ સ્થાનિક શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ, નવા ટેરિફ દર 27 ઓગસ્ટ  રાત્રે 12.01 અમલમાં આવશે.

સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો હતો. ૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ શરૂઆતના ટ્રેડિંગમાં 6૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો અને લાલ થઈ ગયો. એ જ રીતે, નિફ્ટી 5૦ પણ 24,8૦૦ ના સ્તરની નીચે ટ્રેડિંગ કરતો જોવા મળ્યો.

શેરબજારમાં મોટો ઘટાડો

બ્રોકરેજ કંપનીઓના મતે, યુએસ ટેરિફની સૌથી મોટી અસર કાપડ, એન્જિનિયરિંગ ગુડ્સ, ચામડા અને રસાયણો જેવી કંપનીઓ પર પડી શકે છે, જેનો યુએસ માર્કેટમાં મોટો હિસ્સો છે. નિષ્ણાતો કહે છે કે જો વૈકલ્પિક બજારો શોધવા અને સ્થાનિક વપરાશને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણી અને બજારની ગતિવિધિ પર તેની અસર વધુ ઘેરી થઈ શકે છે.

બીજી તરફ, વોશિંગ્ટને ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પછી, બુધવારથી ભારતીય માલની નિકાસ પર ટેરિફ દર બમણાથી 50 ટકા થઈ જશે. યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે અમેરિકા દ્વારા ભારત સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરના સમયમાં નવી દિલ્હી પર આ સૌથી મોટી વેપાર કાર્યવાહી છે.

અમેરિકા સાથે વેપાર મુશ્કેલ બનશે

ટ્રમ્પના નિર્ણય અને ભારત પર 5૦ ટકા ટેરિફ લાદવા પછી, નવી દિલ્હીથી અમેરિકામાં લગભગ $86.5 બિલિયનની વાણિજ્યિક નિકાસ પર સીધી અસર પડશે. નિષ્ણાતો કહે છે કે, આટલા ઊંચા ટેરિફ દરને કારણે, ભારતીય માલ અમેરિકન બજારમાં સ્પર્ધા કરી શકશે નહીં અને નિકાસકારોને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.