Stock Market Update: શુક્રવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારમાં સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 73,710.56 પર અને નિફ્ટી 281 પોઈન્ટ ઘટીને 22,262 પર ટ્રેડ થતો જોવા મળ્યો. શેરબજારમાં ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટ્યો હતો.
દરમિયાન લગભગ 539 શેર વધ્યા અને 1702 શેર ઘટ્યા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું
ફેબ્રુઆરી મહિનાએ વિશ્વભરના રોકાણકારોને લોહીના આંસુ વહાવી દીધા છે અને મહિનાના છેલ્લા દિવસે પણ બજાર રોકાણકારોને કોઈ રાહત આપી રહ્યું નથી. આજે બજાર ખુલતાની સાથે જ ભારતીય શેરબજારમાં રોકાણકારોના 4 લાખ કરોડ રૂપિયાથી વધુના નાણાં ખોવાઈ ગયા. એટલું જ નહીં શુક્રવારના ટ્રેડિંગ સત્રમાં કોઈ નિફ્ટી ઇન્ડેક્સમાં તેજી જોવા મળી ન હતી. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 4.46 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.
27 ફેબ્રુઆરી 2025ના રોજ BSE પર લિસ્ટેડ તમામ શેરનું કુલ માર્કેટ કેપ 3,93,10,210.53 કરોડ રૂપિયા હતું. આજે એટલે કે 28 ફેબ્રુઆરી 2025ના રોજ જ્યારે બજાર ખુલ્યું ત્યારે તે ઘટીને 3,93,10,210.53 કરોડ રૂપિયા થઈ ગયું હતું. એટલે કે રોકાણકારોની મૂડીમાં 4,27,514.1 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
બજાર કોણ નીચે લાવી રહ્યું છે?
બજારમાં થયેલા વિનાશ પાછળ ઘણા કારણો છે જેમાં સૌથી મોટું કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવી ટેરિફ જાહેરાત વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણ અને ભારતના ત્રીજા ક્વાર્ટરના GDP આંકડા છે.
બજારમાં ઘટાડા માટે 3 મોટા કારણો
યુએસ ટેરિફ નિર્ણય: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આનાથી વૈશ્વિક બજારોમાં દબાણ વધ્યું અને ભારતીય બજાર પર પણ તેની અસર પડી હતી.
FII વેચાણ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારોમાં સતત વેચાણ કરી રહ્યા છે, જેના કારણે ઘટાડો ઝડપથી વધી રહ્યો છે.
ભારતના ત્રીજા ક્વાર્ટર (Q3) GDP ડેટા: દેશના અર્થતંત્રને લગતા નવા ડેટા બહાર પાડવાના છે જેની બજાર પર અસર પડી રહી છે. આનાથી રોકાણકારોમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે.