Stock Market Opening, 30th May, 2023: ગ્લોબલ માર્કેટમાંથી કોઈ ખાસ સપોર્ટ ન મળવાને કારણે આજે ભારતીય બજાર માટે કોઈ સારા સંકેતો નહોતા, તેથી બજારની શરૂઆત લગભગ સપાટ સ્તરે થઈ છે. શરૂઆતના કારોબારમાં બજારમાં 1000 શેર વધારા સાથે અને 400 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, પરંતુ શરૂઆતની મિનિટોમાં ફેરફાર જોવા મળ્યો છે. એકંદરે બજારમાં અડધા શેરમાં તેજી છે અને અડધા શેરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.


કેવી રીતે ખુલ્યું બજાર


આજના કારોબારમાં BSE સેન્સેક્સ 6.53 પોઈન્ટના ઘટાડા સાથે 62,839.85 પર ખુલ્યો હતો અને NSE નિફ્ટી 8 પોઈન્ટના વધારા સાથે 18,606.65 પર ખુલ્યો હતો. આ દૃષ્ટિકોણથી, બજારની શરૂઆત સપાટ થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટીના કારોબારમાં કોઈ નોંધપાત્ર વધારો કે ઘટાડો થયો નથી.


માર્કેટના પ્રી-ઓપનિંગમાં વેપાર કેવો રહ્યો


આજે બજારના પ્રી-ઓપનિંગ ટ્રેડમાં BSE સેન્સેક્સ 9.94 પોઈન્ટ અથવા 0.02 ટકાના ઘટાડા સાથે 62836.44 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. તે જ સમયે, NSEનો નિફ્ટી 8 પોઈન્ટના વધારા સાથે 18606.65 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો.


સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ શું છે?


સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરો ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને 9 શેરોમાં ઘટાડો ચાલુ છે. આ સિવાય નિફ્ટીના 50માંથી 31 શેરોમાં વધારા સાથે ટ્રેડિંગ ચાલી રહ્યું છે અને 18 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 શેર યથાવત ટ્રેડ થઈ રહ્યો છે.


ભારત ફરી બન્યું વિશ્વનું પાંચમું સૌથી મોટું શેરમાર્કેટ


ભારતીય શેરમાર્કેટમાં પણ તેજીનો પવન ફૂંકાઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક કારણોસર શેરબજારમાં તેજીનો ચમકારો જોવા મળતા ફરી ભારતીય માર્કેટે વિશ્વના પાંચમા સૌથી મોટા બજારનો તાજ હાંસલ કર્યો છે. છેલ્લા 15 દિવસની વિદેશી રોકાણકારોની એકતરફી લેવાનીને કારણે બજારમાં કરંટ છે અને તેમાં પણ તાજેતરમાં જ અદાણી ગુ્પ અને રિલાયન્સના શેરમાં આવેલ ચમકારાએ રોકાણકારોના વિશ્વાસ અને સંપત્તિમાં વધારો કર્યો છે. ભારતીય બજારનું માર્કેટ કેપિટલાઇઝેશન 3.31 લાખ કરોડ ડોલરને સ્પર્શ્યુ છે. બીજી તરફ ફ્રાન્સને ગત સપ્તાહે તેના બજારમાં 100 અબજ ડોલરનું ધોવાણ જોયું હતુ.  વિશ્વના ટોચના 10 બજારોમાં ભારત ફરી પાંચમા સ્થાને પહોંચ્યું છે. ભારતે જાન્યુઆરીમાં ફ્રાન્સ સામે પોતાનું આ સ્થાન ગુમાવ્યું હતું. ચીન અને અમેરિકામાં મંદીને કારણે ફ્રાન્સના શેરબજારને ઘણું નુકસાન થયું છે. આ દરમિયાન ફ્રાંસની ટોચની કંપની લુઈ વિટન અને વિવેન્ડી એસઈએ પોતાના શેર વેચવા પડયા હતા. વિશ્વના ટોચના બજારોની આ યાદીમાં 44.54 ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ સાથે અમેરિકા ટોચ પર છે. ત્યારબાદ ચીન 10.26 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે બીજા અને જાપાન 5.68 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાને છે. હોંગકોંગ 5.14 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે ચોથા સ્થાને છે અને ભારત બાદ ફ્રાન્સ 3.24 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે છઠ્ઠા સ્થાને છે.