Stock Market Before Budget: શેરબજારમાં આજે જોરદાર ઉછાળા સાથે ખુલ્યા છે. આજે 11 વાગ્યાથી સંસદમાં દેશનું બજેટ રજૂ થશે અને તે પહેલા શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 500 પોઈન્ટ વધીને ખુલ્યો છે.
કેવી રીતે ખુલ્યુ બજાર
આજના ટ્રેડિંગમાં સેન્સેક્સ (Sensex) શરૂઆતની મિનિટમાં જ 590.02 પોઈન્ટ અથવા 1.02 ટકાના ઉછાળા સાથે 58,604.19 પર ટ્રેડ કરી રહ્યો છે. આ સિવાય નિફ્ટીમાં 189 પોઈન્ટના ઉછાળા બાદ 17529ના સ્તરે કારોબાર ખૂલ્યો છે.
નિફ્ટીની સ્થિતિ
આજે નિફ્ટી (Nifty)ના ટ્રેડિંગ સેશનમાં 50 માંથી 42 શેરો તેજી સાથે કારોબાર કરી રહ્યા છે અને માત્ર 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય બેન્ક નિફ્ટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આમાં 570 પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી 38,500ને પાર કરી ગયો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 11 શેરો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ પ્રેઝન્ટેશન પહેલા બજારો તેજીમાં છે. બજેટની જાહેરાત પહેલા ફર્ટિલાઈઝર કંપનીઓના શેરમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ શેરોમાં 2 થી 5%નો ઉછાળો છે. આ ક્ષેત્રને આશા છે કે નિર્મલા સીતારમણ આજે બજેટમાં ખાતર સબસિડી માટે બજેટ ફાળવી શકે છે. વિશ્લેષકો માને છે કે નાણાકીય વર્ષ 2022-23 માટે ખાતર સબસિડી વધારીને રૂ. 1.3 લાખ કરોડ થઈ શકે છે. સરકાર પહેલેથી જ પોતાનો ઇરાદો વ્યક્ત કરી ચૂકી છે કે તે ખેડૂતોનો બોજ ઘટાડવા માંગે છે. ખાતરની સબસિડી વધવાથી ખેડૂતોને ફાયદો થશે. નાણાંકીય વર્ષ 2022 માટે ખાતર ઉદ્યોગ માટે રૂ. 80,000 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ સંશોધિત અંદાજ વધીને રૂ. 1.4 લાખ કરોડ થવા જઈ રહ્યો છે.