Stock Market Today: અમેરિકી બજારોમાં ગઈકાલના ઘટાડાની અસરને કારણે આજે ભારતીય બજારો જોરદાર ઘટાડા સાથે ખુલ્યા છે. SGX નિફ્ટીથી સવારે જ સંકેત મળ્યા હતા કે આજે ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકા સાથે શરૂઆત થશે અને તે જ થયું. પ્રી-ઓપનિંગમાં જ બજાર 2 ટકા તૂટ્યું હતું.


આજે બજાર કેવી રીતે ખુલ્યું


આજે, બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ શેરબજારની શરૂઆતમાં 1,153.96 પોઈન્ટ અથવા 1.91 ટકાના ઘટાડા સાથે 59,417 પર ખુલ્યો હતો. બીજી તરફ, NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 298.90 પોઈન્ટ અથવા 1.65 ટકાના ઘટાડા સાથે 17,771 પર ખુલ્યો છે.


શરૂઆતની મિનિટોમાં માર્કેટમાં રિકવરી જોવા મળી રહી છે


શેરબજારમાં શરૂઆતની મિનિટોમાં સારી રિકવરી જોવા મળી રહી છે અને તે નીચલા સ્તરેથી ઉપર આવી રહ્યું છે. બજાર ખુલ્યાની 5 મિનિટની અંદર સેન્સેક્સ 658 પોઈન્ટ અથવા 1.09 ટકા ઘટીને 59,912 પર આવી ગયો છે. બીજી તરફ નિફ્ટી 1.05 ટકાના ઘટાડા સાથે 189 પોઈન્ટ ઘટીને 17,880 પર આવી ગયો છે.


સેન્સેક્સ અને નિફ્ટીના સ્ટોક


સેન્સેક્સના 30માંથી 25 શેરો ઘટાડાનાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યાં છે અને 5 શેર વધી રહ્યાં છે. નિફ્ટીના 50 શેરોમાંથી 10 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 40 શેરોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.


સેન્સેક્સમાં વધનારા સ્ટોક


આજે સેન્સેક્સમાં એનટીપીસી 2 ટકા, એશિયન પેઈન્ટ્સ 0.67 ટકા, નેસ્લે 0.36 ટકા અને એસબીઆઈ 0.26 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. આ સિવાય પાવરગ્રીડ 0.18 ટકા, ITC 0.15 ટકા અને ઇન્ડસઇન્ડ બેન્ક 0.12 ટકા ઉપર છે.


વૈશ્વિક બજારમાં કડાકો


આજના કારોબારમાં એશિયાના મુખ્ય બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે. તે જ સમયે, આ પહેલા મંગળવારે યુએસ બજારો પણ ભારે ઘટાડા સાથે બંધ થયા છે. મંગળવારે ડાઉ જોન્સ 1276.37 પોઈન્ટ ઘટીને 31,104.97 ના સ્તર પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 4.32 ટકા ઘટીને 3,932.69 પર બંધ રહ્યો હતો. જ્યારે નાસ્ડેક 5.16 ટકા ઘટીને 11,633.57ના સ્તરે બંધ રહ્યો હતો. ફુગાવાના આંકડા બજારની અપેક્ષાઓ સાથે મેળ ખાતા નથી. મોંઘવારી ટોચ પર છે. વધુમાં, વ્યાજદરમાં વધારો કરવાનું વલણ ચાલુ રહેવાની ધારણા છે.


બ્રેન્ટ ક્રૂડમાં ઘટાડો


બ્રેન્ટ ક્રૂડ નરમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 93.32 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરી રહ્યું છે. જ્યારે યુએસ ક્રૂડ પ્રતિ બેરલ 88 ડોલર છે. યુએસમાં, 10-વર્ષના બોન્ડની ઉપજ 3.431 ટકા છે. એશિયન બજારોની વાત કરીએ તો, SGX નિફ્ટી 1.74 ટકા નીચે છે, જ્યારે Nikkei 225 2.17 ટકાની નબળાઈ દર્શાવે છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.97 ટકા અને હેંગ સેંગ 2.20 ટકા ડાઉન છે. તાઈવાન વેઈટેડમાં 1.47 ટકાની નબળાઈ છે, જ્યારે કોસ્પી પણ 1.54 ટકા નીચે છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.64 ટકા ડાઉન છે.