Stock Market Today: સોમવારે ભારતીય શેરબજાર સહિત એશિયાના તમામ બજારો પર દબાણ જોવા મળી રહ્યું છે. ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે ફરીથી લોકડાઉનની સ્થિતિ છે, જેના કારણે શાંઘાઈ કમ્પોઝિટ સહિત એશિયાના તમામ શેરબજારોના ધબકારા વધી ગયા છે. આજે, તેની અસર ભારતીય રોકાણકારોના સેન્ટિમેન્ટ પર જોવા મળશે અને પ્રારંભિક ટ્રેડિંગમાં જ વેચાણને વેગ મળશે.


આજે બીએસઈનો સેન્સેક્સ શુક્રવારના 61663.48ની સામે 207.15 પોઈન્ટ ઘટીને 61456.33 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી શુક્રવારના 18307.65ની સામે 61.25 પોઈન્ટ ઘટીને 18246.4 પર ખુલ્યો હતો.


આજે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. સૌથી વધુ ઘટાડો IT શેરોમાં જોવા મળી રહ્યો છે. બેન્ક, ફાઈનાન્શિયલ, મેટલ, ઓટો અને ફાર્મા સહિતના તમામ મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.


સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે નિફ્ટી 18200ની નજીક આવી ગયો છે.


સેન્સેક્સ 30ના 24 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ લૂઝર્સમાં BAJFINANCE, M&M, ITC, TECHM, DRREDY, INFY, RIL નો સમાવેશ થાય છે. ટોપ ગેનર્સમાં BHARTIARTL, TATASTEEL, AXISBANK, HUL છે.


અગાઉના ટ્રેડિંગ સેશનમાં પણ સેન્સેક્સ 87 પોઈન્ટ ઘટીને 61,663 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 36 પોઈન્ટ ઘટીને 18,308 પર પહોંચ્યો હતો.


ક્રૂડમાં નરમાઈ


બ્રેન્ટ ક્રૂડમાં નોંધપાત્ર નરમાઈ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 87 ડોલર પ્રતિ બેરલ પર છે. તે જ સમયે, અમેરિકન ક્રૂડ પ્રતિ બેરલ $ 80 પર છે. જ્યારે યુએસમાં 10-વર્ષના બોન્ડની યીલ્ડ 3.799 ટકા છે.


યુએસ અને યુરોપિયન બજારોમાં તેજી


યુ.એસ.માં, ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના સંકેતો અને ફુગાવા અને છૂટક વેચાણ અંગેના નિરાશાજનક ડેટા હોવા છતાં, રોકાણકારો ઉત્સાહિત છે અને ભારે ખરીદી કરી રહ્યા છે. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન અમેરિકાના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ NASDAQ પર 0.01 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.


અમેરિકાની જેમ જ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી હતી. યુરોપના મોટાભાગના શેરબજારો લીલા નિશાન પર બંધ થયા હતા. જર્મનીના સ્ટોક એક્સચેન્જે અગાઉના સત્રમાં 1.16 ટકાનો ઉછાળો દર્શાવ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 1.04 ટકાના વધારા સાથે બંધ થયું હતું. આ સિવાય લંડનના સ્ટોક એક્સચેન્જમાં પણ 0.53 ટકાનો વધારો થયો છે.


એશિયન બજારો દબાણ હેઠળ


એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા પર ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. આજે સવારે સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.32 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.01 ટકાના નજીવા વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. હોંગકોંગના માર્કેટમાં 1.88 ટકાનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે તાઈવાનનું શેરબજાર 0.12 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં પણ આજે 1.09 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.