Stock Market Today: ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી સતત વધારો થઈ રહ્યો છે. આ વધારો આજે પણ શરૂઆતમાં યથાવત રહ્યો છે અને બજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59,202.90ની સામે 178.46 પોઈન્ટ વધીને 59381.36 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17,563.95ની સામે 58.9 પોઈન્ટ વધીને 17,622.85 પર ખુલ્યો હતો.
સેક્ટરલ ઈન્ડેક્સની ચાલ કેવી છે
આજના કારોબારની વાત કરીએ તો IT સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, મીડિયા અને મેટલ શેરો અને અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. મિડકેપ ઈન્ડેક્સ આજે 0.3 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.
આજના વધનારા સ્ટોક
આજે સેન્સેક્સના 30માંથી 23 શેરો ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે. એક્સિસ બેન્કમાં લગભગ 6 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સિવાય ટાઈટન, એચયુએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ અને સન ફાર્મા, એમએન્ડએમના શેરમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અન્ય વધતા શેરોમાં નેસ્લે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એશિયન પેઇન્ટ્સ, LANT, મારુતિ, વિપ્રો, ITC, પાવરગ્રીડ, HDFC બેન્ક, બજાજ ફિનસર્વ, HDFC અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આજના ઘટનારા સ્ટોક
સેન્સેક્સના 30માંથી 7 શેરો ડાઉન છે અને તેમાં ટેક મહિન્દ્રા, આઈટીસી, એચસીએલ ટેક, એચડીએફસી, ટાટા સ્ટીલ, ઈન્ડસઈન્ડ બેંક, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગઈકાલે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 96 પોઈન્ટ વધીને 59,203 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 52 પોઈન્ટ વધીને 17,564 પર પહોંચ્યો હતો.
યુએસ બજારની સ્થિતિ
યુએસમાં રિટેલ ફુગાવાના તાજેતરના ડેટા બાદથી રોકાણકારો દબાણમાં છે. મધ્યમાં થોડા સેશન કર્યા બાદ હવે ફરીથી વેચવાલીનો પ્રભાવ દેખાવા લાગ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ અમેરિકાના મુખ્ય એક્સચેન્જમાં સમાવિષ્ટ NASDAQ પર 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે, જેના પછી રોકાણકારો નર્વસ છે.
યુરોપિયન બજારોમાં તેજી
અમેરિકાથી વિપરીત, યુરોપના બજારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ફાયદો કર્યો છે અને તમામ મુખ્ય એક્સચેન્જો લાભ સાથે બંધ થયા છે. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું શેરબજાર છેલ્લા સત્રમાં 0.20 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.76 ટકાનો ઉછાળો નોંધાયો હતો. લંડન સ્ટોક એક્સચેન્જ પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.27 ટકા વધ્યો હતો.
એશિયન બજારોમાં ઘટાડો
એશિયાના મોટાભાગના શેરબજારો આજે ઘટાડા સાથે ખુલ્યા છે અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.15 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 0.41 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર પણ 0.24 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.46 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.