નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં વેચવાલીની વચ્ચે બુધવારે સ્ટોક માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં અંદાજે 400 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. મુંબઈ શેર બજારના 30 શેરનો ઇન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 393.03 પોઈન્ટ તૂટ્યો હો. જોકે બાદમાં થોડી રીકવરી જોવા મળી તે 201.94 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર સાથે 40,079.26ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો.

તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ શરૂઆતના કારોબારમાં 58.10 પોઈન્ટ ઘટીને 11739.80 પોઈન્ટ પર કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સની કંપનીઓમાં સનફાર્મા, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસીના શેરમાં બે ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

જ્યારે બીજી બાજુ હિંદુસ્તાન યૂનિલીવર, નેસ્લે ઇન્ડિયા, પારવગ્રિડ અને એશિયન પેન્ટ્સના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક્સપર્ટનું કહેવું છે કે, કોરોના વાયરસની ચિંતાની વચ્ચે વૈશ્વિક બજારમાં ઘટાડો અને વિદેશી ફંડો દ્વારા વેચવાલીને પગલામાં ભારતીય બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કરન્સીની વાત કરીએ તો બુધવારે શરૂઆતના કારોબારમાં ડોલરની સામે રૂપિયો 11 પૈસા ઉછળીને 71.74 પ્રતિ ડોલર પહોંચ્યો હતો. શરૂઆતના કારોબારમાં રૂપિયો 71.76 પ્રતિ ડોલર પર ખુલ્યો. બાદમાં તે વધુ સુધારા સાથે 71.74 પ્રતિ ડોલર પહોંચ્યો. છેલ્લી બંધ સપાટીની તુલનામાં આ 11 પૈસાનો વધારો છે. મંગળવારે રૂપિયો 71.85 પ્રતિ ડોલરે બંધ રહ્યો હતો.