નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના મેગા આઈપીઓ (LIC IPO)ની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું કે LIC માર્ચના અંતમાં શેરબજારમાં લિસ્ટ થશે.


IPO માટે સેબીમાં ટૂંક સમયમાં દસ્તાવેજો સબમિટ કરવાના છે


LIC ની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) સંબંધિત ડ્રાફ્ટ પેપર્સને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને સબમિટ કરવામાં આવશે.


સરકાર 31 માર્ચ સુધીમાં LICને શેરબજારમાં લિસ્ટ કરાવશે


ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સેક્રેટરી તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે, "એલઆઇસીની ડિસઇન્વેસ્ટમેન્ટની રકમ આ વર્ષના બજેટમાં સામેલ કરવામાં આવી છે કારણ કે અમે તેને 31 માર્ચ પહેલા સૂચિબદ્ધ કરવાનું લક્ષ્ય રાખ્યું છે."


સરકાર તેના ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટને હાંસલ કરવા માટે LICનો IPO ખૂબ જ મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો લક્ષ્યાંક રૂ. 1.75 લાખ કરોડ છે. ગત નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ. 32,835 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં PSUમાં લઘુમતી હિસ્સો વેચીને રૂ. 9,330 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે.


નીલાચલ ઈસ્પાત નિગમનું વેચાણ ટૂંક સમયમાં


તે જ સમયે, નીલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ વિશે, તુહિન કાંત પાંડેએ કહ્યું કે વેચાણ આગામી થોડા દિવસોમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. ડિસેમ્બરમાં, સરકારને ઓડિશા-મુખ્યમથકની કંપની માટે વ્યૂહાત્મક બિડ મળી હતી, એમ તેમણે જણાવ્યું હતું.


સૌથી મોટી વીમા કંપની તેનો IPO લઈને આવી રહી છે તે પહેલા LICએ ઉત્તમ નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, LICનો ચોખ્ખો નફો રૂ. 1437 કરોડ હતો, જ્યારે અગાઉના વર્ષ 2020-21માં તેને માત્ર રૂ. 6 કરોડનો નફો થયો હતો.