TATA Employee Salary : દેશના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રૂપે તેના ટોચના અધિકારીઓને શાનદાર ભેટ આપી છે. જૂથે આ વર્ષે આ અધિકારીઓને 62 ટકા સુધીનો પગાર વધારો આપ્યો છે. ટ્રેન્ટ, ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા કન્ઝ્યુમર જેવા ઉચ્ચ વૃદ્ધિવાળા વ્યવસાયોના ટોચના અધિકારીઓના પગારમાં મહત્તમ વધારો થયો છે. 2022-23માં ટાટા ગ્રુપની વેચાણ આવક $97 બિલિયન હતી, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગની ગ્રૂપ કંપનીઓની વૃદ્ધિ 20 ટકાથી વધુ હતી.


 ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના બોર્ડે આ શાનદાર પ્રદર્શન માટે આ કંપનીઓના ટોચના અધિકારીઓને પુરસ્કાર આપ્યા છે. કુલ પેકેજમાં પગાર, કમિશન અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. ગ્રુપની રિટેલ ચેઈન ટ્રેન્ટના સીઈઓ પી વેંકટેસ્લુને સૌથી વધુ વધારો આપવામાં આવ્યો છે. તેમને રૂ. 5.12 કરોડના પગાર સાથે કુલ 62 ટકાનો વધારો આપવામાં આવ્યો છે.


ટ્રેન્ટનો ચોખ્ખો નફો ગયા વર્ષે 10 ગણો વધીને રૂ. 394 કરોડ થયો હતો જ્યારે આવક 80 ટકા વધીને રૂ. 8,242 કરોડ થઈ હતી. ઈન્ડિયન હોટેલ્સના સીઈઓ પુનીત ચટવાલને રૂ. 18.23 કરોડના પગાર સાથે 37 ટકાનો વધારો મળ્યો છે. ટાટા કન્ઝ્યુમરના સીઈઓ સુનિલ ડિસોઝાને 24% વધારો મળ્યો છે અને તેમનો પગાર હવે રૂ. 9.5 કરોડ પર પહોંચી ગયો છે. વોલ્ટાસના પ્રદીપ બક્ષીને 22 ટકા અને ટાટા કેમિકલ્સના આર મુકુન્દન અને ટાટા પાવરના પ્રવીર સિન્હાને 16 ટકાનો વધારો મળ્યો છે. સૌથી ઓછો વધારો TCSના રાજેશ ગોપીનાથનને આપવામાં આવ્યો હતો. તેમનો પગાર 13 ટકા વધીને 29.1 કરોડ પર પહોંચી ગયો છે. જોકે, ગોપીનાથને હવે TCS છોડી દીધું છે.


ટાટા ગ્રુપ બિઝનેસ


ટાટા ગ્રુપનો બિઝનેસ ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. તેમાં ટેકનોલોજી, સ્ટીલ, ઓટોમોટિવ, કંઝ્યૂમર એન્ડ રિટેલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઈનાંસિયલ સર્વિસ, એરોસ્પેસ અને સંરક્ષણ, ટૂરિઝમ એન્ડ ટ્રાવેલ, ટેલિકોમ અને મીડિયા, ટ્રેડિંગ અને ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. ગ્રુપ કંપનીઓની સંખ્યા 30 પર પહોંચી ગઈ છે. ટાટા ગ્રુપના એક અધિકારીએ કહ્યું હતું કે, વર્ષ 2023 ગ્રુપ માટે ઘણું સારું રહ્યું. છેલ્લા બે વર્ષમાં ટાટાની 28 લિસ્ટેડ કંપનીઓમાંથી 26 કંપનીઓએ બજારમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 300,000 કરોડનો વધારો થયો હતો. લિસ્ટેડ 28માંથી 17 કંપનીઓએ ગયા નાણાકીય વર્ષમાં 11 થી 90 ટકાની આવક વૃદ્ધિ હાંસલ કરી છે.