સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં 9 હજાર 600 રૂપિયા સસ્તું થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસો જ્યારે વધુ આવી રહ્યા હતા ત્યારે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ પણ 58 હજાર અને ચાંદીનો કિલોદીઠ ભાવ 73 હજારની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શી ગયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં સોનું તેની સર્વોચ્ચ સપાટીથી 9 હજાર 600 એટલે કે 20 ટકા સસ્તું થઇને 48 હજાર 400 અને ચાંદી 17 હજાર 500 એટલે કે 26 ટકા સસ્તી થઇ 65 હજાર 500ની સપાટી સુધી નીચે ઉતરી ગયા છે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા 12 વર્ષમાં સોનામાં સૌથી નીચું અને સૌથી વધુ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે.
ગઈકાલે સોનાનો ભાવ
આજે ફરી એક વખત દેશમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોનાની કિંમત આજે 1.3 ટકા ઘટી છે અને તે 600 રૂપિયા ઘટીને 46029 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ છે. દેશમાં સોનાના છેલ્લા ચાર મહિનાના ભાવની આ સૌથી નીચલી સપાટી છે. બીજી બાજુ જો આપણે ચાંદીની વાત કરીએ તો આજે તેની કિંમતોમાં પણ 1.6 ટકાનો ઘટાડો થયો છે. આજે બજારમાં ચાંદીનો દર 1000 રૂપિયા ઘટીને 63983 રૂપિયા પ્રતિ કિલો થયો છે. તેના કારણે અગાઉના સત્રમાં પણ ચાંદીમાં 2000 રૂપિયાનો અને સોનામાં 1000 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં આજે 4.4 ટકાનો ઘટાડો થયો છે. અહીં હાજર સોનું 2.3 ટકા ઘટીને 1,722.06 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. તે જ સમયે ચાંદી પણ 2.6 ટકા ઘટીને 23.70 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ આવી ગઈ છે. આ પહેલા સત્રની શરૂઆતમાં ચાંદીના ભાવમાં 7.5 ટકાનો ઘટાડો થયો હતો.
આગામી કેટલાક દિવસો સુધી સોનામાં ઘટાડો યથાવત રહેશે
નિષ્ણાતોના મતે, "આગામી કેટલાક દિવસોમાં પણ વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 1,788 ડોલર પ્રતિ ઔંસથી નીચે રહેવાની ધારણા છે. જેના કારણે ભારતમાં તેના ભાવમાં ઘટાડાનો આ તબક્કો આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહી શકે છે. "
દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં સોનાના ભાવ
ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર, દિલ્હીમાં આજે સોનાની કિંમત 45,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. બીજી બાજુ, 10 ગ્રામ સોનાની કિંમત મુંબઈમાં 45,690 રૂપિયા અને ચેન્નઈમાં 44,390 રૂપિયા નોંધાઈ છે.