Edible Oil Price Hike: ચોમાસાની એન્ટ્રી થતાં જ અનેક જગ્યાએ શાકભાજીના ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે હવે ખાદ્યતેલના ભાવમાં પણ ફરી એક વખત ભડકો જોવા મળી રહ્યો છે. સીંગતેલ, કપાસિયા અને પામોલિયન તેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે.
ચોમાસામાં લોકો ગાંઠિયા ભજીયા જેવી તળેલી વસ્તુઓ વધુ આરોગતા હોય છે ત્યારે જ ભાવમાં વધારો થવાથી આ વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે.
સીંગતેલ ડબ્બાનો ભાવ 2800 થી વધી 2820 થયો છે. જ્યારે કપાસિયા ડબ્બાનો ભાવ 1675 થી વધીને 1695 થયો છે. તો પામોલિન તેલનો ભાવ 1420 થી 1440 થયો. છે.
અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. આ દરમિયાન શાકમાર્કેટમાં આદુ, લીલા મરચા અને કોથમીરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હોલસેલ માર્કેટમાં બેંગ્લોરી આદુનો ભાવ 200 થી 220 રૂપિયા કિલો પહોંચ્યો છે, જ્યારે સતારા આદુનો ભાવ હોલસેલ માર્કેટમાં 160 થી 170 રૂપિયા કિલો છે. રિટેઇલમાં આદુનો ભાવ રૂ. 240 થી 300 સુધી પહોંચ્યો છે.
લીલા તીખા મરચાનો ભાવ હોલસેલ માર્કેટમાં સૌથી ઊંચો નોધાયો છે. હોલસેલ માર્કેટમાં લીલા તીખા મરચા નો ભાવ 100 જ્યારે રિટેઇલ માર્કેટમાં 150 સુધી પહોંચ્યો છે. કોથમીરનો ભાવ પણ પ્રતિ કિલો રૂ 80 થી 100 સુધી પહોંચ્યો છે. જેના ટામેટા બાદ આદુ, કોથમીર, મરચાના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ પરેશાન થઈ ઉઠી છે.
ગરમ હવામાનની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પણ જોવા મળી રહી છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન દેશના ઘણા ભાગોમાં ટામેટાંના ભાવ બમણા થઈ ગયા છે. છૂટક બજારમાં ટામેટાના ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા હતા. બીજી તરફ ટામેટાના જથ્થાબંધ ભાવ 30-35 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 65-70 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.