Share Market Investors: ભારતીય શેરબજારમાં ચાલી રહેલી બમ્પર તેજીએ રોકાણકારોને અમીર બનાવી દીધા છે. તેના કારણે છેલ્લા 5 દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 7.90 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સ્થાનિક શેરબજારોમાં મંગળવારે સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં વધારો ચાલુ રહ્યો હતો અને BSE સેન્સેક્સ 274 પોઈન્ટ ઉછળીને 65,479.05 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ એક તબક્કે 467.92 પોઈન્ટ ઉપર ચઢી 65,672.97 પોઈન્ટ પર પહોંચ્યો હતો. શેરબજારમાં છેલ્લા પાંચ દિવસમાં રોકાણકારોની સંપત્તિ રૂ. 7,90,235.84 કરોડ વધીને રૂ. 2,98,57,649.38 કરોડની રેકોર્ડ સપાટીએ પહોંચી છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, બજાર આશાવાદી છે. જોકે, માર્કેટ રેકોર્ડ હાઈએ પહોંચતાં ઊંચા સ્તરે પ્રોફિટ-બુકિંગ પણ જોવા મળી રહ્યું છે. બજારનું ધ્યાન હવે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કોમોડિટી અને જાહેર ક્ષેત્રની બેન્કો જેવા ક્ષેત્રો તરફ ગયું છે. સેન્સેક્સ શેરોમાં બજાજ ફાઈનાન્સ સૌથી વધુ 7.71 ટકા મજબૂત હતો. આ સિવાય બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, એનટીપીસી, ટાઈટન, વિપ્રો, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ફોસીસ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને આઈટીસીમાં તેજી જોવા મળી હતી. બીજી તરફ, ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ઘટાડો નોંધાયો હતો. BSE મિડકેપ (મધ્યમ કદની કંપનીઓનો ઈન્ડેક્સ) ઈન્ડેક્સ 0.22 ટકા ઘટ્યો હતો જ્યારે સ્મોલકેપ (નાની કંપનીઓનો ઈન્ડેક્સ) 0.05 ટકા વધ્યો હતો. કોટક સિક્યોરિટીઝ લિ.ના રિસર્ચ હેડ (રિટેલ) શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, “બજારમાં તેજી ચાલુ છે. અન્ય એશિયન બજારોમાં મિશ્ર વલણ અને યુરોપીયન બજારોમાં નબળા વલણ છતાં બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યા હતા.
4 જુલાઈના રોજ સેન્સેક્સ 65,479.05 પોઈન્ટની સર્વકાલીન ટોચે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન રેકોર્ડ 65,672.97 પોઈન્ટ પર ગયો. 3 જુલાઈના રોજ સેન્સેક્સે પ્રથમ વખત 65,000નો આંકડો પાર કર્યો હતો. 28 જૂને દિવસના કારોબાર દરમિયાન સેન્સેક્સ પ્રથમ વખત 64,000 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. 30 નવેમ્બર, 2022ના રોજ પ્રથમ વખત સેન્સેક્સ 63,000 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. બીજી બાજુ, 19 ઓક્ટોબર, 2021 ના રોજ, સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન 62,000 ના આંકડાને સ્પર્શ્યો હતો. 24 સપ્ટેમ્બર, 2021 ના રોજ, સેન્સેક્સે પ્રથમ વખત ટ્રેડિંગ દરમિયાન અને દિવસના અંતે બંને સમયે 60,000-નો આંકડો પાર કર્યો.