નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં કરેલ ઘટાડનો નિર્ણય પરત ખેંચ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગઈકાલે સમાચાર આવ્યા હતા કે નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટર માટે વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ હવે આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે, આ આદેશ ભૂલથી આપવામાં આવ્યો હતો.


માર્ચ 2021ના દર જ લાગુ રહેશે- નાણામંત્રી


નાણામંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, “ભારત સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દર પહેલા જેટલા જ જાળી રાખ્યા છે, જે 2020-2021ના અંતિમ ક્વાર્ટરમાં હતા એ જ માર્ચ 2021ના દર લાગુ રહેશે.”




આ પહેલા વ્યાજ દરમાં ધરખમ ઘટાડો કર્યો હતો


કેંદ્ર સરકારે પોસ્ટની નાની બચત યોજનાના ત્રિમાસિક વ્યાજ દરમાં ૦.૪ ટકાથી લઈનેને ૦.૯ ટકા સુધીનો જંગી ઘટાડો કરીને બચત પરના વ્યાજની આવક પર નભતા લોકોને મોટો ફટકો આપ્યો છે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં આપવામાં આવતા વ્યાજના દર ૭.૪ ટકાથી ઘટાડીને ૬.૫ ટકા કરી દીધા છે.


સાથે જ 30મી જૂન 2021ના પૂરા થતાં ત્રિમાસિક ગાળા માટેના પબ્લિક પ્રોવિડન્ટ ફંડની સ્કીમ પર આપવામાં આવતા વ્યાજના દર ૭.૧ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા એટલે કે ૦.૭ ટકાનો ઘટાડો કર્યો હતો. માસિક આવક યોજનામાં આપવામાં આવતા વ્યાજના દર ૬.૬ ટકાથી ઘટાડીને ૫.૭ ટકા કરી દીધા છે.


એક વર્ષની ટર્મ ડિપોઝિટના વ્યાજ દર ૫.૫ ટકાથી ઘટાડીને ૪.૪ ટકા કરી દીધા છે. મુદતી થાપણના વ્યાજદરમાં 1.1 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સેવિંગ બૅન્ક એકાઉન્ટના વ્યાજદર 3.5 ટકા કર્યો છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર આપવામાં આવતા વ્યાજના દર 6.8 ટકાથી ઘટાડીને 5.9 ટકા કરવામાં આવ્યા છે. કિસાન વિકાસ પત્રના દર 6.9 ટકા હતા તે ઘટાડીને 6.2 ટકા કરી દેવામાં આવ્યા છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ આપવામાં આવતા વ્યાજના દર પણ ૭.૬ ટકાથી ઘટાડીને ૬.૪ ટકા કરી દીધા છે.


ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમનું કહેવું છે કે સરકારે વ્યાજના દરમાં કરેલો ઘટાડો સમાજ વિરોધી પગલું છે. અત્યારે જે ગતિથી ફુગાવાના દર વધી રહ્યા છે તે જોતાં લોકો પાસે ભવિષ્યની જરૂરત પૂરી કરવા વધુ બચત હોવી જરૂરી છે. પરંતુ સરકાર પાસે ખર્ચ કરવા માટે વધુ રકમ ન હોવાથી અને બહારથી ઉછીના પૈસા લેવાની ક્ષમતા ન હોવાથી સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે લોકોને બચત કરવાને બદલે વધુને વધુ ખર્ચ કરવા ભણી ધકેલી રહી છે. લોકો વધુ ખર્ચ કરતાં થાય તો અર્થતંત્રને વધુ વેગ મળશે તેવા ગણિત સાથે આ પગલું લેવામાં આવી રહી છે.