ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ 2022-2023નું અંદાજપત્ર રજૂ કર્યુ છે. ગુજરાતની વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ પ્રથમ બજેટ છે. નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ છે.


નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો


બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી કે નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો જાહેર કર્યો છે. બજેટમાં કહ્યું છે કે, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજનાના 60થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ 750 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે જેમાં 250 રૂપિયાનો વધારો કરીને 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ 1000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવે છે જેમાં 250 રૂપિયાનો વધારો કરીને 1250 માસિક પેન્શન આપવામાં આવશે. જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે. આ યોજના માટે કુલ 977 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.


ગુજરાતમાં સ્થપાશે બુલિયન માર્કેટ


બજેટમાં તેમણે કહ્યું કે, હાલમાં વિદેશમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડીંગ માટે દેશનું પ્રથમ બુલિયન માર્કેટ ગુજારતના ગિફ્ટ સિટીમાં શરૂ થનાર છે. વૈશ્વિક કક્ષાની બેન્કિંગ, લીઝીંગ, ઇન્સ્યોરન્સ, ફાયનાન્સ અને આર્બીટ્રેશનની સુવિધાઓ ગિફ્ટ સિટીમાં આકાર લઈ રહી છે, તેથી આવનારા દિવસોમાં ગુજરાત વૈશ્વિક નાણાકીય વ્યાપારનું પણ કેન્દ્ર બનશે.


વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઇ


ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળું પાક માટે વ્યાજ રાહતની યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઇ


નવી યોજનાની જાહેરાત


ખેડૂતોને રવી તેમજ ઉનાળુ પાક માટે પણ વ્યાજ સહાય મળી રહે તે માટે નવી યોજનાની જાહેરાત. પશુ પાલકો અને માછીમારોને કૃષિ સમકક્ષ ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત આપવાની યોજનાની જાહેરાત. બંને ક્ષેત્રોમાં દર વર્ષે અંદાજિત 8થી 10 હગજાર કરોડનું ધિરાણ મેળવી શકાશે.