જીવન વીમા કોર્પોરેશન (LIC)ના પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ અંગે સરકાર આ અઠવાડિયે નિર્ણય લે તેવી શક્યતા છે. સૂત્રોના હવાલાથી આ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, IPO સંબંધિત મોટા ભાગનું ગ્રાઉન્ડ વર્ક પૂરું થઈ ગયું છે, પરંતુ અંતિમ નિર્ણય લેતા પહેલા આ સપ્તાહે ઈસ્યુની કિંમત અંગે સંભવિત એન્કર રોકાણકારોના પ્રતિભાવની સમીક્ષા કરવામાં આવશે.
માર્ચ 2022 સુધીમાં IPO લોન્ચ કરવાની યોજના હતી
સરકારની યોજના માર્ચ 2022 સુધીમાં IPO લાવવાની હતી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બજારનું સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ ગયું અને સરકાર વેઈટ એન્ડ વોચ મોડમાં ગઈ. હવે જ્યારે બજાર ફરી સુધર્યું છે અને સેન્ટિમેન્ટ પોઝિટિવ છે ત્યારે સરકારે ફરીથી IPO લાવવાની તૈયારી શરૂ કરી છે. આ મહિનાની શરૂઆતમાં, સરકારે FDI નિયમોમાં સુધારો કરીને LICમાં 20% ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)ને મંજૂરી આપી હતી.
સરકાર પાસે 12 મે સુધીનો સમય છે
સરકાર પાસે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસે મંજૂરી માટે નવા પેપર્સ ફાઈલ કર્યા વિના આઈપીઓ લોન્ચ કરવા માટે 12 મે સુધીનો સમય છે. જો હજુ સુધી IPO લોન્ચ થયો નથી, તો તેને ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવો પડશે કારણ કે અપડેટેડ ત્રિમાસિક પરિણામો અને મૂલ્યાંકન સાથે નવા પેપર સેબીમાં ફાઇલ કરવાના રહેશે.
સૌથી મોટો IPO હશે
LICનો ઇશ્યૂ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. સરકાર LICમાં લગભગ 31.6 કરોડ અથવા 5% શેર વેચીને રૂ. 65,000 કરોડ એકત્ર કરી શકે છે. લિસ્ટિંગ પછી, LICનું માર્કેટ વેલ્યુએશન RIL અને TCS જેવી ટોચની કંપનીઓની સમકક્ષ હશે. આ પહેલા પેટીએમનો ઈશ્યુ સૌથી મોટો હતો અને કંપનીએ ગયા વર્ષે આઈપીઓથી 18,300 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.