RBI Update: ભારતીય રિઝર્વ બેંકે સોમવારે કહ્યું કે, દેશમાં ચલણી નોટો પરથી મહાત્મા ગાંધીની તસવીર બદલવાનો કોઈ વિચાર કરવામાં આવી રહ્યો નથી. આરબીઆઈ વર્તમાન કરન્સી અને બેંક નોટમાં બદલાવ કરવાની યોજના બનવી રહ્યું  હોવાના કેટલા મીડિયામાં આવેલા રિપોર્ટ બાદ આરબીઆઈએ આ સ્પષ્ટતા કરી છે.  આરબીઆઈએ કહ્યું કે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીના ચહેરાના બદલે અન્ય મહાનુભાવના ચહેરો મુકવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. રિઝર્વ બેંકે આવો કોઈ પ્રસ્તાવ નથી આપ્યો તેવી સ્પષ્ટતા કરી છે અને આ અંગે પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે.


આ પહેલા મીડિયા રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેંક પ્રથમ વખત કરન્સી પર રવિન્દ્રનાથ ટાગોર અને ડો. એપીજે અબ્દુલ કલામની તસવીર લગાવવાની તૈયારીમાં છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર જ જોવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં દેશના અન્ય મહાપુરુષોનો ફોટો પણ નજરે પડી શકે છે.






રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું


ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નોટમાં આ બદલાવ માટે નાણા મંત્રાલય અને આરબીઆઈ જલદી મોટું પગલું ભરી શકે છે. તેના બે સેટ તૈયાર કરવામાં આવ્યા છે. જેને આઈઆઈટી દિલ્હી અમેરિટ્સ પ્રોફેસરને મોકલવામાં આવ્યા છે અને તેમને એક સેટ પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આરબીઆઈ અંતર્ગત કામ કરતી સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા તરફથી મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને એપીજે અબ્દુલ કલામની વોટરમાર્ક વાળી તસવીરના અલગ અલગ બે સેટ પ્રોફેસર સાહની પાસે મોકલવામાં આવ્યા છે. જેમાંથી એક સેટની પસંદગી કરી સરકારને મોકલવા કહેવાયું હતું.


કરન્સી પર મહાત્મા ગાંધીનો ફોટાના ઉપયોગ ક્યારથી શરૂ થયો


ભારતીય રિઝર્વ બેંકે 1969માં ગાંધીજીની તસવીરનો સૌપ્રથમ ઉપયોગ 100 રૂપિયાની નોટ પર કર્યો હતો. તે વર્ષ તેમની જન્મ શતાબ્દિ વર્ષ હતું અને નોટોમાં તસવીર પાઠળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. ગાંધીજીની વર્તમાન પોટ્રેટવાળી કરન્સી નોટ પ્રથમ વખત 1987માં આવી હતી.  ગાંધીજીના હસતા ચહેરાવાળી તસવીર સાથે સૌથી પહેલા 500 રૂપિયાની નોટ ઓક્ટોબર 1987માં રજૂ કરવામાં આવી હતી. જે બાદ ગાંધીજીની આ તસવીરનો અન્ય કરન્સી નોટોમાં પણ ઉપયોગ થવા લાગ્યો.