મુંબઈઃ ભારતીય શેરબજારમાં આવેલી તેજીના કારણે છેલ્લા એક વર્ષથી નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી સમયાંતરે નવી ઐતિહાસિક સપાટી રચવાના રેકોર્ડ બનાવે છે. સેન્સેક્સ 60,000ને પાર થઈ ગયો છે. સેન્સેક્સ વધવાની સાથે ગુજરાતી કંપનીઓએ પણ શાનદાર દેખાવ કર્યો છે. ચાલુ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી લઈ 24 સપ્ટેમ્બર સુધી ગુજરાતની 14 કંપનીઓએ 100 ટકાથી વધારે વળતર આપીને રોકાણકારોને માલામાલ કર્યા છે.


અદાણી નહીં પણ આ કંપનીએ આપ્યું સૌથી વધુ વળતર


ચાલુ વર્ષે સાત કંપનીએ 200 ટકાથી વધારે વળતર આપ્યું છે. આ કંપનીઓમાં ગણેશ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ, આર એન્ડ બી ડેનિમ, અદાણી ટોટલ ગેસ લિમિટેડ, મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ, અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ, પીજી ફોઈલ્સ લિમિટેડ અને ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ સામેલ છે.  1 જાન્યુઆરીના રોજ ગણેશ હાઉસિંગના શેરની કિંમત 31.50 રૂપિયા હતી. જે 24 સપ્ટેમ્બરના રોજ 162.60 પર પહોંચી છે. આમ એક જ વર્ષમાં કંપનીએ 416 ટકાળનું વળતર આપ્યું છે. બીજા ક્રમે રહેલી આર એન્ડ બી ડેનિમના શરનો ભાવ 1 જાન્યુઆરીના રોજ 35.9 રૂપિયા હતો, જે 24 સપ્ટેમ્બરે 143.40 પર પહોંચ્યો છે, આમ કંપનીએ 305 ટકાનું વળતર આપ્યું છે.


અદાણી સહિત આ કંપનીઓએ આપ્યું 200 ટકાથી વધુ રિટર્ન


રોકાણકારોને માલમાલ બનાવવામાં અદાણી ત્રીજા ક્રમે રહી હતી. અદાણી ટોટલ ગેસનો  ભાવ 1 જાન્યુઆરીએ 376.60 રૂપિયા હતો, જે 24 સપ્ટેમ્બર 1392.60 પર પહોંચ્યો છે. એટલે કે આ કંપનીએ 270 ટકાનું વળતર આપ્યું છે. મોનાર્ક નેટવર્થના શેરે 266 ટકા વળતર આપ્યું છે, 1 જાન્યુઆરીએ આ કંપનીના શેરનો ભાવ 38 રૂપિયાથી વધીને 24 સપ્ટેમ્બર 138.90 પર પહોંચ્યો છે. અદાણી ટ્રાન્સમિશનનો શેર 434.50થી વધીને 24 સપ્ટેમ્બરે 1537.6 થઈ ગયો છે. એટલેકે કે 254 ટકા વળતર મળ્યું છે. પીજી ફોઈલ્સનો શેર પણ આ સમયગાળા દરમિયાન 112.4 રૂપિયાથી વધીને 374.5 રૂપિયા થઈ ગયો છે, આ શેરે 233 ટકા વળતર આપ્યું છે. ગુજરાત ફ્લોરોકેમનો શેર 577.1 રૂપિયાથી વધીને 1764.20 રૂપિયા થયો છે. આ શેરે 206 ટકા વળતર આપ્યું છે.


આ કંપનીઓએ આપ્યું 100 થી 197 ટકા રિટર્ન


આ સિવાય અન્ય સાત કંપનીઓના શેર 100 ટકાથી 197 ટકા સુધી વધ્યા છે. જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ, નંદન ડેનિમ લિમિટેડ, દીપક નાઇટ્રાઇટ લિમિટેડ, ગુજરાત થેમિસ બાયોસિન લિમિટેડ, જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડ, અમિ ઓર્ગેનિક્સ અને તત્વ ચિંતન ફાર્મા કેમ લિમિટેડનો સમાવેશ થાય છે. જે પૈકી તત્વ ચિંતન ફાર્માનો આઈપીઓ થોડા સમય પહેલા જ આવ્યો હતો. જ્યારે આઠ કંપનીઓએ 50 થી 99 ટકા સુધી વળતર આપ્યું છે.