Tomato Price Hike: સામાન્ય લોકોની થાળીમાંથી ટામેટા ગાયબ થઈ ગયા છે. છેલ્લા કેટલાક મહિનામાં ટામેટાંના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ પછી સરકારે દિલ્હી NCR સહિત ઘણા રાજ્યોમાં સસ્તા ટામેટાં વેચવાનો નિર્ણય લીધો છે. લોકોને રાહત આપવા માટે, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) દિલ્હી NCRમાં ઘણી જગ્યાએ 70 રૂપિયા પ્રતિ કિલોના દરે ટામેટાંનું વેચાણ કરી રહ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં માહિતી આપી છે કે ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર આ અઠવાડિયે પણ સસ્તા દરે ટામેટાંનું વેચાણ ચાલુ રાખશે. આ સાથે હવે સરકાર પાડોશી દેશ નેપાળમાંથી પણ ટામેટાંની આયાત કરશે.


ટામેટા નેપાળથી આયાત કરવામાં આવશે


ગુરુવારે નાણામંત્રીએ સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર ટામેટાંના ભાવને નીચે લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ સાથે તેમણે કહ્યું કે ભારત નેપાળથી ટામેટાંની આયાત કરી રહ્યું છે, જેથી તેની કિંમતમાં થોડો ઘટાડો થઈ શકે. નિર્મલા સીતારમને તેમના ભાષણ દરમિયાન માહિતી આપી હતી કે નેપાળથી ટામેટાંનો પહેલો કન્સાઈનમેન્ટ શુક્રવારે લખનૌ, વારાણસી અને કાનપુર જેવા શહેરોમાં પહોંચશે.


9 લાખ કિલોથી વધુ ટામેટાંનું વેચાણ થયું હતું


આ સાથે નાણામંત્રીએ એ પણ માહિતી આપી કે અત્યાર સુધીમાં સરકારે મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી 9 લાખ કિલોથી વધુ ટામેટાંની ખરીદી કરી છે અને દેશના વિવિધ NCCF કેન્દ્રો દ્વારા ગ્રાહકોને સસ્તું દરે પહોંચાડી છે. તે જ સમયે, દિલ્હી જેવા શહેરોમાં ઓનલાઈન માધ્યમથી સસ્તા ટામેટાંનું વેચાણ થઈ રહ્યું છે. નોંધનીય છે કે છેલ્લા બે-ત્રણ મહિનામાં ટામેટાંના ભાવમાં 1400 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આવી સ્થિતિમાં દેશના અલગ-અલગ શહેરોમાં ટામેટાં 140 રૂપિયાથી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેની વધતી કિંમતો માટે ઓછી ઉપજને જવાબદાર ગણવામાં આવી રહી છે.


નોંધપાત્ર વાત એ છે કે, આંધ્રપ્રદેશ, કર્ણાટકના જથ્થાબંધ બજારોમાં ટામેટાની કિંમત 100 રૂપિયાથી નીચે આવવા લાગી છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ટામેટાના કન્સાઈનમેન્ટ દિલ્હી મોકલવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ અને પૂરના કારણે ટામેટાના પાકને મોટું નુકસાન થયું હતું. જેના કારણે ટામેટાંના ભાવ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે.