મુંબઈ: બિઝનેસ ટાયકૂન રતન તાતાને તો કોણ નહીં ઓળખતું હોય. તાજેતરમાં જ તેમણે પોતાની એક યંગ એજની તસવીર શેર કરી હતી જેણે ઈન્ટરનેટ પર આગ લગાવી હતી. લોકો રતન તાતાના દીવાના થઈ ગયા હતાં. જોત જોતામાં તો તસવીર વાઈરલ થઈ ગઈ. હવે રતન તાતા અને ઊદ્યોગ જગતના વધુ એક દિગ્ગજ નારાયણ મૂર્તિની એક તસવીર હાલ વાઈરલ થઈ રહી છે. જેણે બધાના મન જીતી લીધા છે.

મંગળવારના રોજ ટાઈકોન મુંબઈ 2020 કાર્યક્મમાં રતન તાતાને લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. કોર્પોરેટ જગતના બીજા સૌથી મોટા નામ એવા ઈન્ફોસિસના કો ફાઉન્ડર નારાયણ મૂર્તિએ આ એવોર્ડ તેમને સોંપ્યો હતો અને ત્યારબાદ જે બન્યું તે જોઈને બધા જ તેને જોતા રહી ગયા હતા. 73 વર્ષીય નારાયણમૂર્તિએ 82 વર્ષના રતન તાતાના પગે પડીને તેમના આશીર્વાદ લીધા હતા.



તાતાએ આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ્સ પર વાત કરીને તેમને ચેતવ્યા હતા. તાતાએ ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું છે. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રોકાણકારોના પૈસાને ધૂમાડામાં ઉડાડનારા લોકોને સ્ટાર્ટઅપ કરવાનો બીજો અથવા ત્રીજો અવસર નહીં મળે. આપણી સામે એવી સ્ટાર્ટઅપ કંપનીઓ પણ આવશે કે જે આપણું ધ્યાન ખેંચશે, પૈસા ભેગા કરશે અને પછી ગાયબ થઈ જશે. પરંતુ આવી કંપનીઓને ક્યારેય બીજો કે ત્રીજો અવસર કોઈ આપતું નથી.



અત્રે જણાવવાનું કે ગત ગુરુવારે રતન તાતાએ પોતાની યંગ એજનો એક ફોટો શેર કરતા લખ્યું કે હું આ તસવીર બુધવારે પોસ્ટ કરવા માંગતો હતો પરંતુ લોકોએ મને જણાવ્યું કે જૂની તસવીરો થ્રો બેક ગુરુવાર (#ThrowbackThursday)ના રોજ શેર કરાય છે. આથી હું આ તસવીરથી થ્રોબેક કરી રહ્યો છું. આ ફોટો મારા હોશે હોશે ભારત પાછા ફરતા પહેલાનો છે જે લોસ એન્જેલસમાં લેવાયો હતો.