નવી દિલ્હીઃ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે NEFTની સુવિધાને 24 કલાક અને સાત દિવસ કર્યા બાદ હવે ભારતીય રિઝર્વ બેંક(RBI)એ બેંકોને આદેશ આપ્યો છે કે તે બચત ખાતાધારકો માટે NEFT અને RTGS દ્વારા કરવામાં આવનાર તમામ ઓનલાઈન પેમેન્ટ્સને ફ્રી કરે. અનેક બેંકોએ આ પહેલાથી ફ્રી કરી દીધા છે અને હવે બાકાની બેંકોને આગામી મહિનાથી ફ્રી કરવા માટે કહેવામાં આવ્યું છે.


આરબીઆઈએ આ સપ્તાહે જારી કરેલ એક મોટિફિકેશનમાં કહ્યું, ‘ડિજિટલ રિટેલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સભ્ય બેંકો પોતાના બચત ખાતા ધારકો દ્વારા ઓનલાઈન એનઈએફટી સિસ્ટમ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા પર કોઈ ચાર્જ નહીં લે.’ આ નિયમ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2020થી લાગુ થશે.

જુલાઈ મહિનામાં આરબીઆઈએ એનઈફટી અને આરટીજીએસ ટ્રાન્ઝેક્શન માટે બેંકો પાસેથી લેવામાં આવતા તમામ ચાર્જીસ હટાવી દીધા હતા. આરબીઆઈએ બેંકોને નિર્દેશ આપ્યા હતા કે તે તેો લાભ ખાતાધારકો સુધી પહોંચાડે. ત્યાર બાદ એસબીઆઈ અને આઈસીસીઆઈ બેંક દ્વારા ઓનલાઈન એનઈએફટી ફ્રી કરી દેવામાં આવ્યા. ભારતની સૌથી મોટી બેંક એસબીઆઈએ યોનો, ઇન્ટનરેટ બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ગ્રાહકો માટે આઈએમપીસી, આરટીજીએસ અને એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શનને ફ્રી કર્યા છે. તેવી જ રીતે એચડીએફસી બેંકે એનઈએફટી ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જીસ નથી લગાવ્યા.

નોંધનીય છે કે, આરબીઆઈએ હવે ગ્રાહકોને 24 કલાક અને સાતેય દિવસ એનઈએફટીથી ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા આપી છે. હવે ગ્રાહક રજાના દિવસો સહિત વર્ષમાં કોઈપણ દિવસ, કોઈપણ સમયે એનઈએફટી દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકે છે. આ પહેલા એનઈએફટીથી લેવડ દેવડ માત્ર બેંકના કામકાજી સમય દરમિયાન સવારે 8 કલાકથી સાડા છ કલાક સુધી થતી.