trump products list: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય નિકાસકારો માટે એક રાહતદાયક નિર્ણય લીધો છે, જે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે ટેક્સના બોજ હેઠળ દબાયેલા હતા. ટ્રમ્પે ભારતની 200 થી વધુ ચીજવસ્તુઓને 50% આયાત ટેરિફમાંથી મુક્તિ આપી છે. અગાઉ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર આકરા પ્રતિબંધો અને ટેક્સ લાદવામાં આવ્યા હતા, પરંતુ હવે અમેરિકામાં વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ચા, કોફી અને મસાલા જેવી પ્રોડક્ટ્સ પરથી આ ડ્યુટી હટાવી લેવામાં આવી છે.
ભારત પરના ટેરિફનું કારણ અને અસર
ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ ભારત પર આકરો પ્રહાર કરતા 50% જેટલો જંગી ટેરિફ લાદ્યો હતો. આ ટેરિફનો 25% હિસ્સો ભારત દ્વારા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ દંડ સ્વરૂપે હતો. ટ્રમ્પના આ નિર્ણયને કારણે ભારતના ટેક્સટાઈલ, લેધર, જ્વેલરી અને સીફૂડ ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો હતો. જોકે, હવે ટ્રમ્પે નવેમ્બર સુધીમાં 200 થી વધુ કૃષિ અને સંલગ્ન ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડવાનું વચન પાળ્યું છે, જેનાથી ભારતીય નિકાસ બજારમાં નવી આશાનો સંચાર થયો છે.
ટ્રમ્પે કઈ વસ્તુઓને આપી મુક્તિ? (સંપૂર્ણ યાદી)
અમેરિકાએ જે પ્રોડક્ટ્સ પરથી 50% ટેરિફ હટાવ્યો છે, તેમાં મુખ્યત્વે રોજિંદા વપરાશની ખાદ્ય સામગ્રીઓનો સમાવેશ થાય છે:
પીણાં: ચા અને કોફી.
મસાલા: હળદર, આદુ, તજ, એલચી, કાળા મરી, લવિંગ અને જીરું.
ડ્રાયફ્રૂટ્સ: કાજુ અને અન્ય પ્રકારની બદામ.
ફૂડ પ્રોડક્ટ્સ: પ્રોસેસ્ડ ફૂડ્સ, વિવિધ મોસમી ફળો, ફળોનો પલ્પ અને જ્યુસ.
ભારતને થશે $3 Billion સુધીનો ફાયદો
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સ (FIEO) ના વિશ્લેષણ મુજબ, આયાત ડ્યુટીમાં મળેલી આ માફીથી ભારતીય નિકાસને અંદાજે $2.5 થી $3 Billion નો ફાયદો થઈ શકે છે. આ નિર્ણયને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર સમજૂતી (Trade Deal) ની વાટાઘાટો માટે પણ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે.
કઈ વસ્તુઓ પર હજુ પણ ટેક્સ યથાવત?
રાહતની વચ્ચે કેટલાક ક્ષેત્રો માટે ચિંતા યથાવત છે. હાલના તબક્કે ઝીંગા (Shrimp), બાસમતી ચોખા, રત્ન-આભૂષણો (Gems & Jewelry) અને કપડાં પર કોઈ મુક્તિ આપવામાં આવી નથી; આ વસ્તુઓ પર પૂરેપૂરો ટેરિફ લાગુ રહેશે. ઉપરાંત, ટ્રમ્પે સાઇટ્રસ ફળો અને કેળાને પણ આ યાદીમાંથી બાકાત રાખ્યા છે, જેથી નિષ્ણાતો આ રાહતને મર્યાદિત ગણાવી રહ્યા છે.
ટ્રમ્પે કેમ લીધો આ નિર્ણય?
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ અમેરિકાની સ્થાનિક અર્થવ્યવસ્થા છે. ભારે ટેરિફને કારણે અમેરિકન બજારમાં ચા, કોફી અને મસાલા જેવી વસ્તુઓ અત્યંત મોંઘી થઈ ગઈ હતી. સામાન્ય અમેરિકન નાગરિકો પર મોંઘવારીનો બોજ વધતા અસંતોષ ઉભો થયો હતો. કિંમતોને કાબૂમાં લેવા અને ગ્રાહકોને રાહત આપવા માટે ટ્રમ્પે આયાત ડ્યુટી ઘટાડવાનો વ્યવહારિક નિર્ણય લીધો છે, જેનો સીધો લાભ ભારતીય વેપારીઓને મળ્યો છે.