શુક્રવારે અને શનિવારે (31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી)એ બેંકોની હડતાળ છે. એટલા માટે કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ રહેશે. તો બીજે તરફ 2 ફેબ્રુઆરીએ સાપ્તાહિક રજા (રવિવાર) આવે છે જેના લીધે તે દિવસે પણ બેન્ક બંધ રહેશે. આમ સતત 3 દિવસ સુધી બેન્ક બંધ રહેશે. હડતાળ અને એક દિવસની રજાને કારણે એટીએમ મશીનોમાં પણ કેશની સમસ્યા ઉભી થવાની સંભાવના છે.
હડતાળને લઈને ભારતીય સ્ટેટ બેંક સહિત ઘણી સાર્વજનિક બેંકોએ પહેલાં જ ગ્રાહકોને સૂચના આપી દીધી હતી. જોકે પ્રાઈવેટ બેંકો પર આ હડતાળની અસર પડશે નહીં. મહત્વની વાત એ છે કે, ઓનલાઇન બેકિંગ પણ ચાલુ જ રહેશે.
ઓલ ઈન્ડીયા બેંક ઓફિસર્સ કન્ફેડરેશનના અધ્યક્ષ સુનિલ કુમારે જણાવ્યું હતું કે, બેંક કર્મચારીઓના સંગઠનની મુખ્ય માંગ પગાર વધારાની માંગ છે, કારણ કે બેંક કર્મચારીઓના પગાર સુધારાના મામલે નવેમ્બર 2017થી પડતર છે. આ ઉપરાંત કામનો સમય નક્કી કરવા, પારિવારિક પેન્શન વગેરે માંગો પણ થઈ રહી છે. જે હજી સુધી પુરી કરવામાં આવી નથી જેના કારણે બેંક કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો.