Unemployment Rate Increased: દેશમાં બેરોજગારીનો દર એપ્રિલમાં વધીને 7.83 ટકા થયો હતો, જ્યારે માર્ચમાં તે 7.60 ટકા હતો. સોમવારે જારી કરાયેલા આંકડાઓમાં આ જાણકારી સામે આવી છે. એપ્રિલમાં દેશમાં બેરોજગારીનો દર વધવાનો મતલબ એ છે કે લોકોને નોકરીઓ નથી મળી રહી.


એપ્રિલમાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર વધ્યો, ગ્રામીણ શહેરોમાં બેરોજગારીનો દર ઘટ્યો


ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખતી સંસ્થા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી- (CMIE) (સીએમઆઈઈ) એ એપ્રિલના આંકડા જાહેર કર્યા અને જણાવ્યું કે શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર માર્ચમાં 8.28 ટકાની સરખામણીએ વધીને 9.22 ટકા થયો છે. તેનાથી વિપરીત, ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર માર્ચમાં 7.29 ટકાથી ઘટીને એપ્રિલમાં 7.18 ટકા થયો હતો.


દેશના આ રાજ્યોમાં સૌથી વધુ બેરોજગારી દર છે


CMIE અનુસાર, હરિયાણામાં સૌથી વધુ 34.5 ટકાનો બેરોજગારી દર નોંધાયો છે, ત્યારબાદ રાજસ્થાનમાં 28.8 ટકા બેરોજગારી દર, બિહાર 21.1 ટકા સાથે ત્રીજા ક્રમે અને જમ્મુ અને કાશ્મીર 15.6 ટકા સાથે ત્રીજા ક્રમે છે.


શ્રમ સહભાગીતા દર અને રોજગાર દરમાં પણ વધારો થયો છે


CMIEના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલમાં શ્રમ સહભાગિતા દર અને રોજગાર દરમાં પણ વધારો જોવા મળ્યો છે અને તેને ભારતીય અર્થતંત્ર માટે સારી પ્રગતિ ગણાવી છે. મહેશ વ્યાસે જણાવ્યું હતું કે એપ્રિલ, 2022માં રોજગાર દર એક મહિના પહેલા 36.46 ટકાથી વધીને 37.05 ટકા પર પહોંચી ગયો છે.


CMIE અનુસાર, ફુગાવાના કારણે સ્થાનિક માંગમાં ઘટાડો થવાને કારણે અર્થતંત્રમાં રિકવરીની ગતિ ધીમી રહી છે, જેના કારણે રોજગારીની તકોમાં ઘટાડો થયો છે. નોંધપાત્ર રીતે, સરકારે 28 એપ્રિલે જાહેર કરેલા તેના ત્રિમાસિક રોજગાર સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે વેપાર, ઉત્પાદન અને IT સહિત નવ મુખ્ય ક્ષેત્રોએ ઓક્ટોબર-ડિસેમ્બર 2021માં 400,000 નોકરીઓ પેદા કરી છે.


જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ભારતનો મોંઘવારી દર પણ માર્ચમાં વધ્યો અને 14.55 ટકા પર પહોંચ્યો. ફેબ્રુઆરીમાં તે 13.11 ટકા હતો. એપ્રિલ, 2022માં જીએસટી કલેક્શનમાં પણ રેકોર્ડ વધારો થયો હતો અને તે રૂ. 1.68 લાખ કરોડે પહોંચ્યો હતો.