બ્રિટિશ મલ્ટીનેશનલ કંપની યુનિલીવર પોતાના ખર્ચમાં કાપ મુકવાના એક નવા કાર્યક્રમની શરૂઆતની જાહેરાત કરી છે. યુનિલીવરે કહ્યું હતું કે આ કાર્યક્રમથી ગ્લોબલ સ્તર પર કંપનીના લગભગ 7500 કર્મચારીઓની નોકરી જઇ શકે છે. સાથે કંપનીએ પોતાના આઇસ્ક્રીમ યુનિટને અલગ કરી નવી કંપની બનાવાની જાહેરાત કરી છે. યુનિલીવર, મૈગ્નમ અને બેન એન્ડ જેરી જેવી લોકપ્રિય આઇસ્ક્રીમ બ્રાન્ડ બનાવે છે. લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ આ કંપનીએ જણાવ્યું હતું કે આઇસ્ક્રીમ બિઝનેસનું ડીમર્જર તરત શરૂ થઇ જશે અને તેને 2025ના અંત સુધીમાં પુરા થવાની આશા છે.


કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને આશા છે કે આ ડીમર્જરથી તેને સેલ્સ ગ્રોથ અને પોતાના માર્જિનમાં સાધારણ સુધારો હાંસલ કરવામાં મદદ મળશે. યુનિલીવરે કહ્યું હતુ કે આ ડીમર્જર બાદ તે સરળ અને વધુ કેન્દ્રિત કંપની બની શકશે.


કંપનીએ કહ્યું હતુ કે તેણે આગામી ત્રણ વર્ષો દરમિયાન ખર્ચમાં લગભગ 80 કરોડ યુરો (86.9 કરોડ ડોલર)ની કુલ બચત કરવા માટે એક કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમથી ગ્લોબલ સ્તર પર કંપનીના લગભગ 7500 કર્મચારીઓ પર અસર થવાની આશા છે. આ યુનિલીવરના કુલ વર્કફોર્સના લગભગ 1.2 ટકા છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઈસ્ક્રીમ અને પ્રોડક્ટ ડિલિવરીને અલગ કરવાથી સરળ, વધુ ધ્યાન કેન્દ્રિત અને ઉચ્ચ પ્રદર્શન કરનાર યુનિલિવર બનાવવામાં મદદ મળશે. તે એક વિશ્વ-અગ્રણી આઈસ્ક્રીમ બિઝનેસ પણ બનાવશે, જેમાં મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ અને સ્ટેન્ડઅલોન બિઝનેસ તરીકે આકર્ષક ભવિષ્ય હશે. જોબ કટ તેના ગ્રોથ એક્શન પ્લાન માટે ચાવીરૂપ છે, જેનો હેતુ આગામી ત્રણ વર્ષમાં 800 મિલિયન યુરોની ખર્ચ બચત હાંસલ કરવાનો છે.                                 


કંપનીએ કહ્યું કે તેના આઇસક્રીમ બિઝનેસના યુનિક ઓપરેટિંગ મોડલને જોતાં બોર્ડે નિર્ણય લીધો છે કે આઈસ્ક્રીમ બિઝનેસને અલગ કરવાથી આઈસ્ક્રીમ બિઝનેસ અને યુનિલિવર બંને માટે ભાવિ વૃદ્ધિને પ્રોત્સાહન મળશે. કંપનીએ જણાવ્યું હતું કે અલગ થવાની વિવિધ શક્યતાઓ શોધવામાં આવશે, જેમાં નવી સાર્વજનિક રીતે લિસ્ટેડ કંપનીની રચના એ સૌથી સંભવિત વિકલ્પ છે.