UPI Payment : યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) એ આજકાલ સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ઓનલાઈન પેમેન્ટ પદ્ધતિ છે. તમે માત્ર એક મિનિટમાં UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. પરંતુ, ઘણી વખત UPI પેમેન્ટ ઓનલાઈન કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે યુઝર્સને મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં આ સમસ્યાને દૂર કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ રિયલ ટાઈમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.


જલ્દી જ ચાલુ થશે રિયલ ટાઈમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ
હિંદુ બિઝનેસ લાઇનમાં પ્રકાશિત અહેવાલ મુજબ, NPCI ટૂંક સમયમાં રિયલ ટાઇમ પેમેન્ટ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સિસ્ટમ શરૂ કરશે. આ સિસ્ટમ સપ્ટેમ્બર 2022 સુધીમાં શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમની શરૂઆત પછી UPI દ્વારા તમારી ચુકવણીની સમસ્યાઓ 90 ટકા સુધી ઓછી થઈ જશે.


બેંકમાં વારંવાર ફોન કરવાથી મળશે મુક્તિ 
તમને જણાવી દઈએ કે આ નવી સિસ્ટમ બન્યા બાદ તમારે બેંકને વારંવાર ફોન કરવાની જરૂર નહીં પડે. આ સાથે બ્રાન્ચમાં ચક્કર મારવાની જરૂર નહીં પડે. તમે તમારી UPI એપ પર આ સિસ્ટમ દ્વારા મિનિટોમાં મદદ મેળવી શકશો. આ સાથે તમારી મદદ રિયલ ટાઈમમાં આપોઆપ થઈ જશે. આ સાથે UPIમાં ફસાયેલા પૈસાની સમસ્યા લગભગ 90 ટકા ઓછી થઈ જશે.


દેશમાં વધી રહ્યો છે UPIનો ઉપયોગ 
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં UPIનો ઉપયોગ ખૂબ જ ઝડપથી વધ્યો છે. UPI દ્વારા તમે એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં વાસ્તવિક સમયમાં નાણાં ટ્રાન્સફર કરી શકો છો. આજકાલ લોકો Google Pay, PhonePe, Bharat Pay, Paytm, BHIM App  વગેરે જેવી વિવિધ એપ દ્વારા સરળતાથી UPI પેમેન્ટ કરી શકે છે.


મેં મહિનાના UPI ટ્રાન્ઝેક્શન 10 લાખ કરોડને પાર 
દેશમાં ડિજિટલ પેમેન્ટ્સમાં તીવ્ર ગતિ જોવા મળી રહી છે અને UPI સૌથી આગળ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NCPI) દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, આ વર્ષના મે મહિનામાં UPI ટ્રાન્ઝેક્શન્સ રૂ.10 લાખ કરોડને વટાવીને રૂ. 10.41 લાખ કરોડના સ્તરે પહોંચી ગયા છે. આ અત્યાર સુધીના સૌથી વધારે  ડિજિટલ  વ્યવહારો છે.