નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ની આંતરરાષ્ટ્રીય શાખા એનપીસીઆઇ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (એનઆઇપીએલ)એ ગુરુવારે મિડલ ઇસ્ટ અને આફ્રિકાની સૌથી મોટી નાણાકીય સંસ્થા QNB સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર કતારમાં QR કોડ-આધારિત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ચુકવણીઓ શરૂ કરવા માટે કરવામાં આવ્યો હતો. QNBનું મુખ્યાલય કતારમાં છે.






હવે કતારમાં QNB મર્ચન્ટ નેટવર્ક દ્વારા UPI ચૂકવણી શક્ય બનશે. તેનાથી કતાર આવતા ભારતીય પ્રવાસીઓને ફાયદો થશે. એનપીસીઆઇ ઇન્ટરનેશનલમાં પાર્ટનરશીપ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ ડેપ્યુટી ચીફ અનુભવ શર્માએ કહ્યું હતું કે અમારું માનવું છે કે કતારમાં UPI ની શરૂઆતથી દેશની મુલાકાત લેતા મોટી સંખ્યામાં ભારતીયોને નોંધપાત્ર લાભ મળશે, તેમના ટ્રાન્જેક્શનને  સરળ બનાવશે અને વિદેશમાં મુશ્કેલીઓથી મુક્ત મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરવામાં આવશે."


આ ભાગીદારી ભારતીય પ્રવાસીઓને રિટેલ આઉટલેટ્સ, પર્યટન સ્થળો, લેઝર ડેસ્ટિનેશન્સ, ડ્યુટી ફ્રી શોપ્સ અને હોટલમાં તેમના UPIનો ઉપયોગ કરવાનો વિકલ્પ પ્રદાન કરશે.                      


QNB ગ્રુપ રિટેલ બેન્કિંગના સિનિયર એક્ઝિક્યુટિવ વીપી અડેલ અલી અલ-મલ્કીએ જણાવ્યું હતું કે, "આ નવા ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન સાથે અમે ટ્રાન્ઝેક્શન કરવાની રીતમાં ક્રાંતિ લાવી રહ્યા છીએ. મુસાફરીના અનુભવને વધુ વધારી રહ્યા છીએ." UPI ચૂકવણીઓ અપનાવીને કતારના વેપારીઓ પણ ઝડપી અને વધુ અનુકૂળ ચુકવણી અને ચેકઆઉટ પ્રક્રિયાઓ ઑફર કરી શકશે.                


ભારત હાલમાં તેની UPI સેવાઓને સમગ્ર વિશ્વમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે ઘણા દેશો સાથે કરાર થઈ ચૂક્યા છે. આ સિવાય અન્ય ઘણા દેશો તેમના દેશોમાં UPI સેવા શરૂ કરવા માટે તૈયાર છે. આ ક્રમમાં, ICICI બેંકે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને આ સેવા સરળતાથી પૂરી પાડવા માટે પગલાં લીધાં છે. ICICI બેંકના NRI ગ્રાહકો હવે ભારતમાં UPI પેમેન્ટ માટે તેમના આંતરરાષ્ટ્રીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકશે.