UPI Transaction Limit: NPCI: દેશમાં UPI ટ્રાન્જેક્શનમાં ઝડપથી વધારો થયો છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર લગભગ દરેક વ્યક્તિ નાના-મોટા ટ્રાન્જેક્શન અને મની ટ્રાન્સફર માટે UPIનો ઉપયોગ કરી રહી છે. જો કે, તેની દૈનિક મર્યાદાને લઈને હંમેશા સવાલો ઉભા થયા છે. હવે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પણ આ સમસ્યા દૂર કરી છે. 16 સપ્ટેમ્બરથી ઘણી વસ્તુઓ માટે UPI ટ્રાન્જેક્શનની ડેઇલી લિમિટ વધારવામાં આવી રહી છે.
આરબીઆઈએ ઓગસ્ટમાં ફેરફારો માટે સૂચના આપી હતી
NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) એ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની સૂચના અનુસાર 16 સપ્ટેમ્બરથી ઘણી જગ્યાએ UPI ટ્રાન્જેક્શન મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. RBIએ 8 ઓગસ્ટે મોનેટરી પોલિસીની બેઠક બાદ UPI ટ્રાન્જેક્શનની મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી. આ સંદર્ભમાં NPCIએ તમામ UPI એપ્સ, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર અને બેન્કોને પણ જાણ કરી છે. તેમને નવી સૂચનાઓ મુજબ તેમની સિસ્ટમ અપડેટ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.
આ જગ્યાઓ પર 5 લાખ રૂપિયાનું પેમેન્ટ કરી શકાશે
NPCI અનુસાર, નવા નિયમો હેઠળ હવે તમે આજથી ટેક્સ ભરવા માટે UPI દ્વારા 5 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકશો. હોસ્પિટલ બિલ, શૈક્ષણિક ફી, IPO અને RBIની રિટેલ ડાયરેક્ટ સ્કીમમાં 5 લાખ રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન પણ શક્ય બનશે. જો કે, દરેક ટ્રાન્જેક્શનમાં વધેલી મર્યાદાનો ઉપયોગ કરવામાં આવશે નહીં. અગાઉ NPCIએ ડિસેમ્બર, 2021 અને ડિસેમ્બર, 2023માં UPI ટ્રાન્જેક્શન મર્યાદામાં ફેરફાર કર્યો હતો. આ ઉપરાંત એક જ બેન્ક એકાઉન્ટમાંથી UPI સર્કલમાંથી એકથી વધુ લોકો દ્વારા ટ્રાન્જેક્શન કરવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.
બેન્કો પણ પોતાની મર્યાદા નક્કી કરી શકે છે
હાલમાં અન્ય તમામ પ્રકારના UPI ટ્રાન્જેક્શન માટે 1 લાખ રૂપિયાની ડેઇલી લિમિટ છે. જો કે, અલગ-અલગ બેન્કો પોતાની રીતે આ મર્યાદા નક્કી કરી શકે છે. અલ્હાબાદ બેન્કની UPI ટ્રાન્જેક્શન મર્યાદા 25,000 રૂપિયા છે. HDFC બેન્ક અને ICICI બેન્ક 1 લાખ રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન સ્વીકારે છે. આ સિવાય કેપિટલ માર્કેટ, કલેક્શન, ઇન્સ્યોરન્સ અને ફોરેન ટ્રાન્ઝેક્શન્સ (ફોરેન ઇનવર્ડ રેમિટન્સ) માટે સમાન મર્યાદા પ્રતિ દિવસ 2 લાખ રૂપિયા સુધીની છે.