UPI service charges: ભારતીય રિઝર્વ બેંક (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશભરમાં લોકપ્રિય બનેલી UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) સેવાના ભવિષ્ય અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, UPI ની સેવા હંમેશા મફત રહી શકતી નથી કારણ કે તેને ચલાવવામાં મોટો ખર્ચ થાય છે. આ ખર્ચનો બોજ કોઈને તો ઉઠાવવો જ પડશે, પછી ભલે તે સરકાર હોય કે અન્ય કોઈ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ICICI બેંક જેવી કેટલીક સંસ્થાઓએ UPI વ્યવહારો પર પ્રોસેસિંગ ફી વસૂલવાનું શરૂ કર્યું છે, જે શૂન્ય-ખર્ચ મોડેલના અંતનો સંકેત આપે છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ તાજેતરમાં નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ જણાવ્યું હતું કે UPI સેવા હંમેશા મફત રહી શકે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ સિસ્ટમને ટકાઉ બનાવવા માટે તેનો ખર્ચ વસૂલવો જરૂરી છે. હાલમાં સરકાર આ સેવાને સબસિડી આપી રહી છે, પરંતુ વધતા જતા વ્યવહારોના કારણે ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.
'ખર્ચનો બોજ કોઈએ તો ઉઠાવવો પડશે'
RBI ગવર્નરે જણાવ્યું કે UPI સેવા ચલાવવાનો ખર્ચ સતત વધી રહ્યો છે અને આ ખર્ચ કોઈને તો ઉઠાવવો જ પડશે. તેમણે કહ્યું કે કોઈ પણ સેવા ત્યારે જ ટકાઉ બની શકે છે જ્યારે તેનો ખર્ચ આવરી લેવામાં આવે. હાલમાં, આ ખર્ચ સરકાર દ્વારા સબસિડીના રૂપમાં ઉઠાવવામાં આવે છે, પરંતુ આ મોડેલ લાંબા સમય સુધી ચાલી શકે નહીં. આ નિવેદન જુલાઈ 2025 માં યોજાયેલી ફાઇનાન્સિયલ એક્સપ્રેસ BFSI સમિટમાં તેમના અગાઉના નિવેદનની પુષ્ટિ કરે છે.
ICICI બેંકે શરૂ કરી પ્રોસેસિંગ ફી
UPI ચાર્જ લાગી શકે છે તેનો સંકેત આપતા, ICICI બેંકે UPI વ્યવહારો પર પ્રોસેસિંગ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. એક અહેવાલ મુજબ, આ ફી પેમેન્ટ એગ્રીગેટર્સ (PA) પાસેથી લેવામાં આવશે.
જો PA નું ખાતું ICICI બેંકમાં હોય, તો 2 બેસિસ પોઈન્ટ (₹100 પર ₹0.02) સુધીની ફી, મહત્તમ ₹6 પ્રતિ ટ્રાન્ઝેક્શન.
જો PA નું ખાતું ICICI બેંકમાં ન હોય, તો 4 બેસિસ પોઈન્ટ સુધીની ફી, મહત્તમ ₹10 પ્રતિ ટ્રાન્ઝેક્શન. જોકે, જો કોઈ વેપારીનું ICICI બેંકમાં ખાતું હોય અને તે જ બેંક દ્વારા વ્યવહાર થાય, તો કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.
આ પરિવર્તન દર્શાવે છે કે UPI ના શૂન્ય-ખર્ચ મોડેલ પર હવે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે. ભવિષ્યમાં, બેંકો, વેપારીઓ અથવા કદાચ ગ્રાહકોએ પણ આ ડિજિટલ સુવિધા માટે ચૂકવણી કરવી પડી શકે છે. RBI નું નિવેદન આ દિશામાં એક સ્પષ્ટ સંકેત છે કે UPI ના ટકાઉપણું માટે નાણાકીય મોડેલમાં ફેરફાર આવશ્યક છે.