દિગ્ગજ બેંકર ઉદય કોટકે કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઘણા વર્ષો સુધી ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકનું નેતૃત્વ કરી રહ્યા હતા. બેંકે આજે શનિવારે શેરબજારોને આ જાણકારી આપી છે. બેંકે જણાવ્યું છે કે ઉદય કોટકનું રાજીનામું 1 સપ્ટેમ્બરથી જ લાગુ થઈ ગયું છે.
આમને વચગાળાની જવાબદારી મળી
કોટક મહિન્દ્રા બેંકમાં ઉદય કોટકના સ્થાને એમડી અને સીઈઓનું પદ સંભાળવાની વચગાળાની જવાબદારી દીપક ગુપ્તાને આપવામાં આવી છે. જેઓ બેંકમાં જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છે. બેંકે જણાવ્યું છે કે વચગાળાની વ્યવસ્થા હેઠળ દીપક ગુપ્તાને 31 ડિસેમ્બર સુધી એમડી અને સીઈઓ પદની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ નિર્ણયને બેંકના સભ્યો અને આરબીઆઈની મંજૂરી મળવાની બાકી છે.
સમય પહેલા છોડી દિધુ પદ
ઉદય કોટક ઘણા સમયથી રાજીનામું આપવાની તૈયારી કરી રહ્યા હતા. તેણે શનિવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમણે સક્સેસન પ્લાન હેઠળ રાજીનામું આપ્યું છે. તેઓ હાલમાં બેંકના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ચાલુ રહેશે. તેમણે સમય પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO તરીકેનો તેમનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2023 ના રોજ પૂરો થવાનો હતો.
આ કારણે આપ્યું રાજીનામું
ઉદય કોટકે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે... કોટક મહિન્દ્રા બેંકમાં સક્સેશન મારા મગજમાં સૌથી ઉપર ચાલી રહ્યું હતું. વર્ષના અંત સુધી ચેરમેન, હું અને જોઈન્ટ એમડી ત્રણેયને પદ પરથી હટવાની જરુર હતી. હું ઈચ્છું છું કે અમે ત્રણેય હટ્યા બાદ નવા લોકોને જવાબદારી સોંપવાની પ્રક્રિયા સરળ હોવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને મેં પ્રક્રિનીયા શરૂઆત કરી છે અને સ્વેચ્છાએ CEO પદ છોડી રહ્યો છું.
1985 થી સાથે હતા
ઉદય કોટક એ સમયથી કોટક મહિન્દ્રા બેંકનું નેતૃત્વ કરી રહ્યા બતા, જ્યારે બેંકની શરૂઆત થઈ હતી. કોટક મહિંદ્રા બેંકની શરુઆત વર્ષ 1985 માં એક ગેર -બેંકિંગ નાણાકીય કંપની તરીકે કરવામાં આવી હતી. જે બાદ 2003માં તે કોમર્શિયલ બેંક બની. ઉદય કોટક 1985 થી બેંકનું નેતૃત્વ કરી રહ્યા છે. આ રીતે કોટક મહિન્દ્રા બેંક સાથે ઉદય કોટકનો સંબંધ ઘણા દાયકાઓ જૂનો છે.
ઉદય કોટકની નેટવર્થ
ઉદય કોટકની ગણતરી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના શાનદાર બેન્કરોમાં થાય છે. તેમની ગણતરી વિશ્વના ટોચના અમીરોમાં પણ થાય છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, ઉદય કોટકની વર્તમાન નેટવર્થ લગભગ 13.4 બિલિયન ડૉલર છે. ઇક્વિટી શેર મૂડીના સંદર્ભમાં ઉદય કોટક કોટક મહિન્દ્રા બેંકમાં લગભગ 26 ટકા હિસ્સો ધરાવે છે.
3 લોકોના સ્ટાફ સાથે શરૂઆત કરી હતી
ઉદય કોટકે આ પ્રસંગે યાદ કર્યું કે કેવી રીતે તેમણે કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત કરી. તેઓ કહે છે... હું જેપી મોર્ગન અને ગોલ્ડમૅન સૈશ જેવા નામો જોતો હતો અને એ પણ જોતો હતો કે તેઓ ફાઈનાશિયલ વિશ્વ પર કેવી રીતે પ્રભુત્વ ધરાવે છે. હું ભારતમાં એક સમાન સંસ્થાનું સ્વપ્ન જોતો હતો. તે સપનું પૂરું કરવા માટે મેં 38 વર્ષ પહેલા કોટક મહિન્દ્રા બેંકની શરૂઆત કરી હતી. અમે 300 ચોરસ ફૂટની ઓફિસમાં 3 કર્મચારીઓ સાથે શરૂઆત કરી હતી.
હવે બેંક આવા તબક્કે પહોંચી છે
આજે, કોટક મહિન્દ્રા બેંક ભારતની સૌથી પ્રખ્યાત બેંકોમાંની એક બની ગઈ છે. આ બેંક હાલમાં એક લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડી રહી છે. લગભગ 4 દાયકાની આ અજોડ સફરનો સારાંશ આપતા ઉદય કોટક કહે છે કે 1985માં બેંકમાં કરાયેલા 10,000 રૂપિયાના રોકાણની કિંમત આજે લગભગ 300 કરોડ રૂપિયા થઈ ગઈ છે.