નવી દિલ્હી: વોડાફોન ઈન્ડિયાએ 1 ડિસેમ્બરથી ટેલિફોન દરમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. જોકે કેટલી માત્રામાં દર વધારવામાં આવશે તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ભાવ વધારાના પગલે વોડા-આઈડિયાના 30 કરોડ ગ્રાહકોને અસર થશે. વોડા-આઈડિયાની જાહેરાતના કારણે એરટેલે પણ દર વધારવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે વોડાફોને ટેલિફોન ઈન્ડસ્ટ્રીમાં એક ત્રિમાસિક ગાળા દરમિયાન 50,921 કરોડની વિક્રમી ખોટ નોંધાવી હતી. બીજીબાજુ સુપ્રીમ કોર્ટે એડજસ્ટ ગ્રોથ રેવેન્યુ મામલે સરકારની તરફેણમાં ચુકાદો આપતાં વોડા-આઈડિયા અને એરટેલને આ રકમ ચૂકવી દેવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે વોડા-આઈડિયાએ ટેલિકોમ વિભાગને 54,184 કરોડ ચૂકવવાના રહેશે.

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે વોડાફોન-આઈડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં તેઓ તેમનો વ્યવસાય ચાલુ રાખશે. સરકાર દ્વારા ટેલિકોમ સેક્ટરને રાહત આપવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતીની રચના પણ કરવામાં આવી છે.

વોડા-આઈડિયાએ જંગી ખોટ જાહેર કરી હોવા છતાં સોમવારે તેના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, કોઈ પણ ટેલિકોમ કંપની તેનું કામકાજ બંધ કરે તેવું સરકાર ઈચ્છતી નથી. આ નિવેદનના પગલે વોડા-આઈડિયાના શેરનો ભાવ 25 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો.