Vodafone Layoff: વર્ષ 2023 મંદીના પડછાયામાં શરૂ થયું છે. છેલ્લા કેટલાક સમયમાં દેશ અને દુનિયાની ઘણી મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. હવે આ યાદીમાં ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની વોડાફોન (Vodafone Layoff) નું નામ પણ જોડાઈ ગયું છે. માર્કેટમાં વધતા દબાણની અસર વોડાફોન પર પડી છે. આ કંપનીએ ફરી એકવાર તેના મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય બાબત એ છે કે કંપની આગામી 5 વર્ષ સુધી સેંકડો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકશે. છેલ્લા પાંચ વર્ષમાં વોડાફોનમાં આ અત્યાર સુધીની સૌથી મોટી છટણી છે.
વોડાફોને ખર્ચ ઘટાડવાનો નિર્ણય કર્યો
માર્કેટમાં મંદીની અસરને જોતા વોડાફોને નવેમ્બર 2022માં જ તેના ખર્ચમાં કાપની જાહેરાત કરી હતી. કંપનીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2026 સુધીમાં કંપની તેના ખર્ચમાં $1.08 બિલિયન સુધીનો ઘટાડો કરશે. યુરોપિયન માર્કેટમાં મોટી ટેલિકોમ કંપનીઓ જેમ કે સ્પેનની ટેલિફોનિકા અને ફ્રાન્સની ઓરેન્જે ખર્ચમાં 50 ટકા સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.
આ જગ્યાઓ પર કર્મચારીઓને છૂટા કરવામાં આવશે
ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, વોડાફોન વિશ્વભરમાં સેંકડો નોકરીઓમાં કાપ મૂકવાની યોજના બનાવી રહ્યું છે. આમાં, કંપનીની લંડન ઓફિસમાં સૌથી મોટી છટણી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કંપની આખી દુનિયામાં લગભગ 1,04,000 લોકોને નોકરી આપે છે. આ છટણી ભારતને કેટલી અસર કરશે તે કહેવું મુશ્કેલ છે.
ઘણી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે
વોડાફોન ઉપરાંત ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને છૂટા કર્યા છે. આમાં ઘણી સ્ટાર્ટઅપ કંપનીઓ છે, Byju's, Unacademy, Lead, Swiggy, Vedantu વગેરે. વર્ષ 2023 મંદીના પડછાયામાં શરૂ થયું છે. વર્ષ 2022માં પણ ટ્વિટર, એમેઝોન, ફેસબુકની પેરેન્ટ કંપની મેટા, એમેઝોન, માઈક્રોસોફ્ટ જેવી ઘણી મોટી કંપનીઓએ મોટી સંખ્યામાં તેમના કર્મચારીઓને છટણી કરી દીધી છે.
2022 ના અંતમાં, વોડાફોનના સીઇઓ નિક રીડે તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમના કાર્યકાળ દરમિયાન, કંપનીના મૂલ્યાંકનમાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો હતો. વોડાફોનના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર માર્ગેરિટા ડેલા વાલે હાલમાં વચગાળાના સીઈઓ તરીકે સેવા આપી રહ્યા છે. આ સપ્તાહની શરૂઆતમાં, વોડાફોને હંગેરીમાં તેનો કારોબાર સ્થાનિક IT કંપની 4iG અને હંગેરિયન રાજ્યને $1.82 બિલિયન રોકડમાં વેચવા સંમત થયા હતા. આ ડીલની પ્રથમ જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટમાં કરવામાં આવી હતી.