Aadhaar Card Link With Voter ID Card: ભારતમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. શાળામાં પ્રવેશ લેવાનો હોય કે પછી બેંકમાં ખાતું ખોલાવવાનું હોય. દરેક જગ્યાએ આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે. સાથે જ આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આમ નહીં કરવામાં આવે તો પાન કાર્ડ રદ થઈ જશે. આ સ્થિતિમાં ચૂંટણી પંચે નાગરિકોને પણ વોટર આઈડીને આધાર સાથે લિંક કરાવવા માટે જણાવ્યું છે.
ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર વોટર આઈડી સાથે આધાર લિંક કરવાની સુવિધા આપી છે. તો હવે એક સવાલ એ પણ ઊભો થાય છે કે, જો આધાર કાર્ડને વોટર આઈડી સાથે લિંક નહીં કરવામાં આવે તો મતદાર યાદીમાંથી નામ નિકળી જશે. આ મામલે ગઈ કાલે લોકસભામાં આ પ્રશ્નના લેખિત જવાબમાં કાયદા પ્રધાન કિરેન રિજિજુએ દેશવાસીઓને હૈયાધારણા બંધાવતા કહ્યું હતું કે, જો તમારું આધાર કાર્ડ વોટર આઈડી સાથે લિંક નથી તો પણ કોઈનં યે નામ મતદાર યાદીમાંથી કાઢવામાં આશે નહીં.
મંત્રીએ માહિતી આપી હતી કે ચૂંટણી કાયદા (સુધારા) અધિનિયમ, 2021માં જોગવાઈ છે કે આધાર કાર્ડને મતદાર આઈડી સાથે લિંક કરી શકાય છે, પરંતુ તે નાગરિકની ઈચ્છા પર નિર્ભર કરે છે કે તે લિંક કરવા માંગે છે કે કેમ. જો વોટર આઈડી કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક નહીં હોય તો પણ કોઈ મુશ્કેલી નહીં પડે. મતદારોના નામ પણ યાદીમાંથી કપાશે નહીં.
આટલા કરોડ વૉટર આઈડી આધાર સાથે લિંક કરાયા
કેન્દ્રીય મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લગભગ 95 કરોડ મતદારોમાંથી 54 કરોડથી વધુ મતદારોએ તેમના આધારને વોટર આઈડી સાથે લિંક કરી ચુક્યા છે. જો તમે પણ તમારા આધારને વોટર આઈડી સાથે લિંક કરવા માંગો છો તો તમે ચૂંટણી પંચની વેબસાઈટ પર જઈને અથવા ચૂંટણી અધિકારીનો સંપર્ક કરીને આ કામ પુરૂ કરી શકો છો.
મતદાર આઈડી લિંક કરવાની ઝુંબેશ
ચૂંટણી પંચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1 ઓગસ્ટથી આધારને વોટર આઈડી સાથે લિંક કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત લોકોની ઇચ્છાના આધારે આધારને વોટર આઈડી સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી અધિકારીઓ ઘરે-ઘરે જઈને મતદાર આઈડી સાથે આધાર લિંક કરવા વિશે પૂછી રહ્યા છે.