નવી દિલ્હી: વોલમાર્ટ ઈન્ડિયાએ ભારતમાં કામ કરી રહેલા પોતાના 50 ટોપ ઓફિસર્સને નોકરીમાંથી છૂટા કર્યા છે. હાલ એ નક્કી નથી થયું કે કંપનીએ આ પગલુ કેમ ઉઠાવ્યું છે. જે લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તેમાં ઘણા ડિવીઝનના વીપી સુધી સામેલ છે. થોડા દિવસો પહેલા જ કંપનીનો ટાઉનહોલ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ વાતની જાહેરાત કરવામાં આવી હતી.


એક અંગ્રેજી ન્યૂઝપેપરની રિપોર્ટ મુજબ વોલમાર્ટ ન માત્ર પોતાના નવા સ્ટોર્સના વિસ્તારની યોજનાઓને રોકી દીધી છે પરંતુ નવા સ્ટોર ખોલાવાના કામમાં લાગેલી રિયલ એસ્ટેટ ટીમને પણ ભંગ કરી દીધી છે. કંપનીના આ પ્રકારના પગલાને કારણે માનવામાં આવી રહ્યું છે કે કંપની ઓફલાઈન સ્ટોર્સ પરથી ધ્યાન હટાવી રહી છે અને ઓનલાઈન સ્ટોર્સ પર ફોકસ કરી રહી છે.

વર્ષ 2018માં વોલમાર્ટે દેશના ઓનલાઈન માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટમાં 16 બિલિયન ડોલરમાં મોટાભાગનો હિસ્સો ખરીદી લીધો હતો. આ અંગે ઘટના સાથે સંકળાયેલા બીજા સૂત્રએ જણાવ્યું હતું કે વોલમાર્ટે તેના નવા સ્ટોર્સ શરૂ કરવાની ગતિ ધીમી કરી હોવા પાછળનું કારણ એ પણ છે કે કંપની તેનો બિઝનેસ બિઝનેસ-ટુ-બિઝનેસ અને રીટેલ ઈ-કોમર્સના માધ્યમથી વધારવા માંગે છે.