World's Richest Person: વિશ્વના અબજોપતિઓની સંપત્તિ પર નજર રાખતી સંસ્થા અને અમેરિકન બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ લિસ્ટે સૌથી અમીર વ્યક્તિની યાદી જાહેર કરી છે. જેમાં લક્ઝરી પર્સ બનાવનારી કંપની લુઈસ વિટનની પેરેન્ટ કંપની LVMHના માલિક બર્નાર્ડ આર્નોલ્ટને હવે ઈલોન મસ્કને પાછળ છોડીને નંબર વન અમીર વ્યક્તિનો તાજ મળ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે બર્નાર્ડ આર્નોલ્ટ કોણ છે અને તેમનું બિઝનેસ બેકગ્રાઉન્ડ શું છે?


બર્નાર્ડ આર્નોલ્ટ કોણ છે?


હાલમાં ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી અમીર વ્યક્તિ છે. તેઓ વિશ્વની સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની, LVMH Moët Hennessy ના CEO છે. SEC ફાઇલિંગ અનુસાર, હોલ્ડિંગ વ્હીકલ અને ફેમિલી ટ્રસ્ટ દ્વારા આર્નોલ્ટ, LVMH ના વોટિંગ શેર ક્લાસના 60% કરતા થોડો વધુ હિસ્સો ધરાવે છે. ફોર્બ્સના આ અહેવાલ મુજબ, બર્નાર્ડ આર્નોલ્ટની સંપત્તિ $186.2 બિલિયન છે. તે જ સમયે, ઇલોન મસ્કની કુલ વ્યક્તિગત સંપત્તિ વિશે વાત કરીએ તો, તે $ 185.7 બિલિયન છે.


પહેલા પણ સૌથી ધનિક વ્યક્તિ બની ચૂક્યા છે


બર્નાર્ડ આર્નોલ્ટ ડિસેમ્બર 2019, જાન્યુઆરી 2020 અને મે 2021માં વિશ્વના સૌથી અમીર વ્યક્તિના રેન્ક પર પહોંચી ચૂક્યા છે, પરંતુ થોડા સમય પછી તેમનાથી આ ખિતાબ છીનવાઈ ગયો.


2019 માં $100 બિલિયન નેટવર્થ ક્લબમાં જોડાયા


બર્નાર્ડ આર્નોલ્ટ વર્ષ 2019માં $100 બિલિયનની નેટવર્થ સાથે ક્લબમાં પહોંચ્યા. તે સમયે તેમની પહેલા આ ક્લબમાં ફક્ત એમેઝોનના જેફ બેઝોસ અને માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ હતા. બર્નાર્ડ આર્નોલ્ટ અને તેમના પરિવારનો LVMH માં હિસ્સો છે. LVMH 70 થી વધુ બ્રાન્ડની માલિકી ધરાવે છે, જેમાં Louis Vuitton, Moët & Chandon, Hennessy, Christian Dior, Fendi, Sephora અને Veuve Clicquot નો સમાવેશ થાય છે. બર્નાર્ડ આર્નોલ્ટ ક્રિશ્ચિયન ડાયોરનો 96.5 ટકા હિસ્સો ધરાવે છે.


વર્ષ 1984માં બિઝનેસ શરૂ કર્યો


આર્નોલ્ટે 1984માં લક્ઝરી ગુડ્સ માર્કેટમાં પ્રવેશ કર્યો. ત્યારપછી આર્નોલ્ટે એક કાપડ જૂથ હસ્તગત કર્યું, જે ક્રિશ્ચિયન ડાયરની પણ માલિકીનું હતું. ચાર વર્ષ પછી, તેણે કંપનીના અન્ય વ્યવસાયો વેચી દીધા અને LVMH માં નિયંત્રક હિસ્સો ખરીદ્યો. આર્નોલ્ટના કલા સંગ્રહમાં પિકાસો અને વોરહોલની કૃતિઓ સહિત આધુનિક અને સમકાલીન ચિત્રોનો સમાવેશ થાય છે.


ટિફિની એન્ડ કંપની પણ ખરીદી


ગયા વર્ષે જાન્યુઆરી 2021માં, બર્નાર્ડ આર્નોલ્ટની LVMH (LVMH) એ અમેરિકન જ્વેલરી કંપની Tiffany & Co (Tiffany & Co) ને પણ $15.8 બિલિયનમાં ખરીદી હતી. જે કોઈપણ લક્ઝરી બ્રાન્ડના એક્વિઝિશન માટે અત્યાર સુધીનો સૌથી મોટો સોદો હતો.


ધ ટર્મિનેટરના નામથી પ્રખ્યાત હતા


1985માં, આર્નોલ્ટે ફ્રાંસની સરકાર પાસેથી નાદાર કાપડ કંપની બુસોકને ખરીદી લીધી. જેના બે વર્ષમાં તેણે નવ હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. ત્યારબાદ તેણે ડાયો બ્રાન્ડ સિવાય તેની મોટાભાગની સંપત્તિઓ વેચી દીધી. ત્યારથી બર્નાર્ડ આર્નોલ્ટ 'ધ ટર્મિનેટર' તરીકે ઓળખાવા લાગ્યા.