Wheat Price: દેશમાં ઘઉંની કિંમત સોમવારે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. રોઇટર્સના અહેવાલમાં ડીલરો અને ખેડૂતોને ટાંકવામાં આવ્યા છે કે ગયા વર્ષના ઓછા ઉત્પાદનને કારણે સ્થાનિક બજારમાં ઘઉંની અછત સર્જાઈ છે. સરકાર વધારાનો સ્ટોક જાહેર કરવામાં વિલંબ કરી રહી છે. આ કારણે બજારમાં પુરવઠો ઓછો છે અને ભાવ વધી રહ્યા છે. ભારત વિશ્વમાં ઘઉંના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. પરંતુ ગત વર્ષે વધતી ગરમીના કારણે ઘઉંના ઉત્પાદનને અસર થઈ હતી. યુક્રેન પર રશિયાના હુમલા બાદ વિશ્વભરમાં ઘઉંનું સંકટ સર્જાયું હતું. આ કારણે ભારતમાંથી નિકાસ વધવા લાગી અને સ્થાનિક સ્તરે ભાવ વધી રહ્યા હતા. આ સ્થિતિનો સામનો કરવા માટે સરકારે મે 2022માં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
પરંતુ નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં દેશમાં ઘઉંના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. વેપારીઓ કહે છે કે આ એક સંકેત છે કે ગયા વર્ષે ઘઉંના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સરકારી ડેટા અનુસાર, 2022માં દેશમાં ઘઉંનું ઉત્પાદન 106.84 મિલિયન ટન હતું, જે એક વર્ષ પહેલા 109.59 મિલિયન ટન હતું. ખેડૂતોએ તેમનો પાક વેચી દીધો છે, વેપારીઓ પાસે ઘઉં બચ્યા નથી પરંતુ માંગ મજબૂત છે. માંગ પ્રમાણે પુરવઠો ન મળવાને કારણે ભાવ વધી રહ્યા છે. આગામી લણણી સુધી ભાવમાં ઘટાડો થવાની ધારણા નથી.
દેશમાં ઘઉંનું વાવેતર ઓક્ટોબર-નવેમ્બરમાં થાય છે અને માર્ચમાં કાપણી કરવામાં આવે છે. ઈન્દોરના બજારમાં ઘઉંની કિંમત 29,375 રૂપિયા પ્રતિ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ મહિને તેની કિંમતમાં સાત ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે દેશમાં ઘઉંના ભાવમાં 37 ટકાનો વધારો થયો હતો. સોમવારે દિલ્હીમાં ઘઉંની કિંમત લગભગ બે ટકા વધીને 31,508 રૂપિયા પ્રતિ ટન પર પહોંચી ગઈ હતી. નિષ્ણાંતો અનુસાર જો સરકાર આગામી 15 દિવસમાં ઘઉંનો સ્ટોક જાહેર નહીં કરે તો તેની કિંમતમાં પાંચથી છ ટકાનો વધારો થઈ શકે છે.
સરકારનું કહેવું છે કે તે ઘઉંના ભાવને વધતા અટકાવવા પગલાં લેશે. મિલ માલિકો અને બિસ્કિટ બનાવતી કંપનીઓને મદદ કરવા માટે સરકાર તેના સ્ટોકમાંથી 20 થી 30 લાખ ટન ઘઉં બહાર પાડી શકે છે. 15 ડિસેમ્બર સુધી કેન્દ્રીય પૂલમાં લગભગ 180 લાખ ટન ઘઉં ઉપલબ્ધ હતા. ઘઉંના નવા પાકની ખરીદી એપ્રિલ 2023થી શરૂ થશે.
ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, 27 ડિસેમ્બરે ઘઉંની સરેરાશ છૂટક કિંમત 32.25 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે એક વર્ષ અગાઉ 28.53 રૂપિયા પ્રતિ કિલો હતી. ઘઉંના લોટની કિંમત પણ એક વર્ષ અગાઉ રૂ. 31.74 પ્રતિ કિલોગ્રામની સરખામણીએ રૂ. 37.25 પ્રતિ કિલો પર સપાટ રહી હતી. ઘઉંના નવા પાકની સંભાવનાઓ વધુ સારી દેખાઈ રહી છે કારણ કે તેના વાવેતર હેઠળનો કુલ વિસ્તાર અત્યાર સુધીમાં વધુ છે. ખુલ્લા બજારમાં ઘઉંની અછતને પહોંચી વળવા માટે, લોટ મિલોએ સરકારને FCI ગોડાઉનમાંથી ઘઉંનો સ્ટોક બજારમાં લાવવાની માંગ કરી છે.