One Rupee Note Fact: ભારતીય ચલણનો ઈતિહાસ ઘણો જૂનો અને રસપ્રદ છે. હાલ ભારતીય રિઝર્વ બેંક દેશમાં ભારતીય ચલણનું સંચાલન કરે છે. ભલે તે ધાતુના સિક્કા હોય કે કાગળની નોટો. તમામ RBI જ બહાર પાડે છે. ભારતીય ચલણી નોટો પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે અને એ નોટ પર તેને બહાર પાડનાર ગવર્નરની સહી પણ હોય છે. પરંતુ 1 રૂપિયાની નોટને ધ્યાનથી જોશો તો જાણવા મળશે કે તેના પર ક્યાંય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું હોતું નથી. આ નોટ અન્ય નોટોથી અલગ હોવાનું કારણ શું છે? આજે અમે તમને આ નોટ સંબંધિત કેટલીક ખૂબ જ રસપ્રદ માહિતી આપીએ છીએ.
આજકાલ એક રૂપિયાની નોટ ખુબ જ ઓછી જોવા મળે છે. પરંતુ આ નોટ દેશની બીજી ચલણી નોટો કરતા તદ્દન અલગ હોય છે. જો તમે 1 રૂપિયાની નોટને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તેના પર આરબીઆઈ ગવર્નરની સહી નથી હોતી કે ના તો તેના પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું. તો આ કેમ છે? આમ હોવા પાછળનું કારણ છે નોટનો ઈતિહાસ.
એક રૂપિયાની નોટનો ઈતિહાસ
ભારતમાં 1 રૂપિયાની નોટનું સંચાલન 30 નવેમ્બર 1917થી શરૂ થયું હતું. તે દિવસોમાં બ્રિટિશ શાસન દરમિયાન આ નોટ પર ભારતના સમ્રાટ જ્યોર્જ પંચમનો ફોટો છપાયેલો હતો. વર્ષ 1926માં 1 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું. 14 વર્ષ બાદ 1940માં ફરી એકવાર 1 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જો કે આઝાદી બાદ પણ વર્ષ 1994માં ફરી એકવાર તેનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ કેટલીક સ્પેશિયલ ડિમાંડને કારણે વર્ષ 2015માં કેટલાક ફેરફારો સાથે એક રૂપિયાની નોટ ફરી શરૂ કરવામાં આવી હતી.
રસપ્રદ માહિતી
ઉપર જણાવ્યા મુજબ 1 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ પ્રથમ વખત વર્ષ 1917માં કરવામાં આવ્યું હતું. ત્યાં સુધી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના થઈ ન હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સ્થાપના દેશમાં વર્ષ 1935માં થઈ હતી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે 1 રૂપિયાની નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર નહોતી પાડવામાં આવી. આ નોટ ભારતમાં શાસન કરતી બ્રિટિશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી. માટે જ 1 રૂપિયાની નોટ પર ભારત સરકાર લખવામાં આવે છે નહીં કે ભારતીય રિઝર્વ બેંક નહીં. તેવી જ રીતે આ નોટ પર ભારત સરકારના નાણા સચિવની સહી છે. આરબીઆઈના ગવર્નરની નહીં.