11 month rent agreement rule: જો તમે ક્યારેય ભાડાના મકાનમાં રહ્યા છો, તો તમે નોંધ્યું હશે કે મકાનમાલિક હંમેશા 11 મહિનાનો જ રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) કરાવે છે. એક વર્ષમાં 12 મહિના હોવા છતાં આ કરાર માત્ર 11 મહિના માટે જ કેમ થાય છે, તેવો પ્રશ્ન ઘણાને થતો હોય છે. હકીકતમાં, આની પાછળ કાયદાકીય અને આર્થિક કારણો છુપાયેલા છે. રજિસ્ટ્રેશનના મોટા ખર્ચથી બચવા, કાગળની લાંબી કાર્યવાહી સરળ બનાવવા અને બંને પક્ષોને અનુકૂળતા રહે તે માટે દેશભરમાં 11 મહિનાનો કરાર સૌથી બેસ્ટ માનવામાં આવે છે.

Continues below advertisement

રજિસ્ટ્રેશનના કાયદામાંથી મુક્તિ

આ 11 મહિનાના ટ્રેન્ડ પાછળનું સૌથી મોટું કારણ 'ભારતીય નોંધણી અધિનિયમ (Indian Registration Act) 1908' છે. આ કાયદા મુજબ, જો તમે કોઈપણ પ્રોપર્ટી 12 મહિના કે તેથી વધુ સમય માટે ભાડે આપો છો, તો તે કરારનું સરકારી કચેરીમાં કાયદેસર રીતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની જાય છે. પરંતુ, જો આ કરાર 11 મહિનાનો જ હોય, તો તેનું રજિસ્ટ્રેશન કરાવવું કાયદેસર રીતે જરૂરી નથી રહેતું. આથી જ મોટાભાગના લોકો સમય અને કાગળકામ બચાવવા 11 મહિનાનો ઓપ્શન પસંદ કરે છે.

Continues below advertisement

પૈસાની બચત અને મકાનમાલિકને ફાયદો

જો ભાડા કરાર 12 મહિના કે તેથી વધુ સમય માટે બનાવવામાં આવે, તો તેમાં ભારે રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડે છે. 11 મહિનાનો કરાર કરવાથી આ બધો જ વધારાનો ખર્ચ બચી જાય છે. આ ઉપરાંત, મકાનમાલિકો માટે પણ આ સમયગાળો ઘણો અનુકૂળ રહે છે. 11 મહિના પૂરા થયા પછી તેઓ માર્કેટ મુજબ ભાડું વધારી શકે છે અથવા પોતાની જરૂરિયાત મુજબ નવી શરતો સાથે નવો કરાર તૈયાર કરી શકે છે.

આ પણ વાંચોઃ ભાડાના મકાનમાં રહેવું હવે બનશે સસ્તું? કેન્દ્ર સરકારની આ યોજનાથી સામાન્ય માણસને થશે સીધો ફાયદો

કાયદાકીય માન્યતા અને ITRમાં ઉપયોગી

ઘણાને એવો પ્રશ્ન થાય કે શું રજિસ્ટ્રેશન વગરનો કરાર માન્ય ગણાય? તો જવાબ છે હા. 100 કે 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બનાવેલો 11 મહિનાનો નોટરી કરેલો ભાડા કરાર કાયદાકીય રીતે માન્ય દસ્તાવેજ જ ગણાય છે. ભવિષ્યમાં જો મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે કોઈ વિવાદ થાય, તો તેને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. આ ઉપરાંત, જો તમે નોકરી કરો છો અને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરો છો, તો HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) દ્વારા ટેક્સ બચાવવા માટે પણ આ 11 મહિનાનો કરાર ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

ટૂંકમાં કહીએ તો, ઓછી કાગળિયાની માથાકૂટ, રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ, સમય-પૈસાની બચત અને મકાનમાલિક-ભાડૂઆત બંનેની સગવડને કારણે આજે પણ મોટાભાગના લોકો 11 મહિનાનો જ ભાડા કરાર કરાવવાનો આગ્રહ રાખે છે.

આ પણ વાંચોઃ New Rent Agreement Rules 2025: 2 મહિનામાં આ કામ પતાવવું ફરજિયાત! ભાડા કરારના નવા નિયમો લાગુ, નહીંતર થશે મુશ્કેલી