Petrol diesel price hike news: દેશમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બુધવારે (28 એપ્રિલ, 2026) ના રોજ પૂરી થઈ રહી છે. ચૂંટણી પૂરી થતાં જ સોશિયલ મીડિયા પર એવી અફવાઓએ જોર પકડ્યું છે કે સરકાર તરત જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરશે. આ અટકળોને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાક રાજ્યોમાં તો લોકો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવા માંડ્યા હતા. જોકે, આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરતા લોકોને મોટી રાહત આપી છે. સરકારે ચોખવટ કરી છે કે ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની હાલ તેમની કોઈ જ યોજના નથી. મધ્ય પૂર્વની અસ્થિર પરિસ્થિતિ વચ્ચે પણ સરકારે દેશવાસીઓને પૂરતા સ્ટોકની ખાતરી આપી છે.

સરકારે શું કહ્યું?

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું કે, "દેશમાં એલપીજી (LPG), પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને તેના ભાવ પણ વધી રહ્યા નથી. તેથી લોકોએ ગભરાઈને પેટ્રોલ પંપ પર દોડાદોડી કરવાની જરૂર નથી." કેટલાક વિસ્તારોમાં લોકોમાં અછતનો ડર જોવા મળ્યો છે, જેને પગલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહી છે. સોમવારે આંધ્રપ્રદેશમાં આવી જ અફવાના કારણે હજારો વાહનચાલકો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા, જેને પગલે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અધિકારીઓને સામાન્ય પુરવઠો સુનિશ્ચિત કરવા તાત્કાલિક સૂચનાઓ આપી હતી.

Continues below advertisement
Continues below advertisement

અછત નથી, આવશ્યક સેવાઓ પ્રાથમિકતા પર

સુજાતા શર્માએ ખાતરી આપી છે કે કોઈપણ પ્રકારની અછત ટાળવા માટે પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જોકે તેમણે એમ પણ સ્વીકાર્યું છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને હાલ પેટ્રોલ પર પ્રતિ લિટર અંદાજે ₹20 અને ડીઝલ પર ₹100 નું નુકસાન થઈ રહ્યું છે. પશ્ચિમ એશિયાના સંકટની અસર ક્રૂડ ઓઇલ, LPG અને પાઇપ્ડ ગેસ (PNG) ની આયાત પર પડી છે, છતાં સરકારે પરિસ્થિતિ સંભાળવા જરૂરી પગલાં લીધા છે.

ઘરેલુ LPG અને PNG ગ્રાહકોને 100% પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહનો માટે CNG નો પુરવઠો પણ રાબેતા મુજબ ચાલુ છે. કોમર્શિયલ LPG પુરવઠા પર થોડી અસર થઈ હતી, જે હવે 70% સુધી પૂર્વવત્ થઈ ગયો છે. આ સાથે જ દવા, સ્ટીલ, બીજ અને ખેતી જેવા આવશ્યક ઉદ્યોગોને પણ પ્રાથમિકતા અપાઈ રહી છે. સ્થળાંતરિત મજૂરોને મુશ્કેલી ન પડે તે માટે 5 કિલોના નાના ગેસ સિલિન્ડરનો સપ્લાય બમણો કરી દેવાયો છે. એકંદરે, સરકારે લોકોને ભરોસો અપાવ્યો છે કે દેશમાં ઈંધણની કોઈ કટોકટી નથી.