ચીની ઓટો કંપની વુલિંગ હોંગગ્વાંગે તેના ઘરેલુ બજારમાં વિશ્વની સૌથી નાની અને સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. નેનો EV ના નામે લોન્ચ થયેલી આ કારની કિંમત 20,000 યુઆન એટલે કે લગભગ બે લાખ 30 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ કારને પ્રથમ 2021 ટિયાનજિન ઇન્ટરનેશનલ ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવી હતી. વુલિંગ કંપની ગયા વર્ષે જ બજારમાં આવી છે અને આવતાની સાથે જ તેણે બજારમાં ધૂમ મચાવી દીધી છે.
આ છે ફીચર્સ
વુલિંગ નેનો EV ને EBD, ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક, ABS બ્રેક સાથે સ્પીડ એલર્ટ સિસ્ટમ મળે છે. ઉપરાંત, આ નાની કારમાં રિવર્સિંગ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, એર કન્ડીશનીંગ, કીલેસ એન્ટ્રી સિસ્ટમ, એલઇડી હેડલાઇટ, 7 ઇંચની ડિજિટલ સ્ક્રીન અને ટેલિમેટિક્સ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
ટોપ સ્પીડ 100 kmph
આ નાની નેનોમાં માત્ર બે સીટ આપવામાં આવી છે. આ કારની લંબાઈ 2,497 mm, પહોળાઈ 1,526 mm અને ઉંચાઈ 1,616 mm છે. આ સિવાય કારમાં વ્હીલબેઝ 1,600 મીમી પણ છે. આ કારમાં 33 PS ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે મહત્તમ 85 Nm નો ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 100 kmph છે.
આટલા સમયમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય
વુલિંગ નેનો EV કંપનીએ IP67 લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ કર્યો છે જે 28kWh છે. આ નાની કાર એક જ ચાર્જ પર 305 કિમી સુધી ચાલી શકે છે. તે જ સમયે, આ EV કાર 220 વોલ્ટના હોમ સોકેટથી 13.5 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થાય છે, જ્યારે 6.6KW AC ચાર્જરથી ચાર્જ કરવામાં 4.5 કલાક લાગે છે.