Zomato Exits Smaller Cities: દેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનું કામ કરતી કંપની Zomato સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Zomato છેલ્લા મહિનામાં લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયું છે. એટલે કે હવે Zomatoએ આ શહેરોમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. કંપનીના ડિસેમ્બર-ક્વાર્ટરના અર્નિંગ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.


કંપનીએ શેરધારકોને પત્ર લખ્યો હતો


Zomatoના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અક્ષાંત ગોયલે કંપનીના શેરધારકોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં, અમે લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયા છીએ, કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) સંબંધિત રિપોર્ટ જાહેર કર્યો છે. તેણે ગ્રોસ ઓર્ડર વેલ્યુ (GOV) ના 0.3 ટકા યોગદાન આપ્યું છે. ગોયલે શેરધારકોને કહ્યું કે તે એક પડકારજનક વાતાવરણ છે.  પરંતુ અમે તાજેતરના અઠવાડિયામાં માંગમાં સુધારો જોઈ રહ્યા છીએ, જે અમને વિશ્વાસ આપે છે કે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે.


1,000થી વધુ શહેરોમાં બિઝનેસ કર્યો


Zomato ના વાર્ષિક અહેવાલ મુજબ, ગયા વર્ષે 2021-22માં કંપની દેશના 1,000 થી વધુ શહેરોમાં ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી બિઝનેસ ચલાવી રહી હતી. જે હવે સીમિત થઈ ગઈ છે. ગોયલે કહ્યું કે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં આ (225) શહેરોના ખરાબ પ્રદર્શનને કારણે અમારે ત્યાં અમારો બિઝનેસ બંધ કરવો પડ્યો. આ શહેરોમાંથી બહાર જવાથી કંપનીના ખર્ચ પર કોઈ અસર પડશે કે કેમ આ અંગે ગોયલે કહ્યું કે તેનાથી વધુ અસર નહીં થાય.


કંપનીની ખોટ 5 ગણી વધી


ગુરુગ્રામ સ્થિત ઝોમેટો કંપનીનું કહેવું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની આવક 75 ટકા વધીને રૂ. 1,948 કરોડ થઈ છે. ત્યારે આ જ કંપનીની ખોટ 5 ગણી વધીને 346 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા 3 મહિનાના સમયગાળા માટે કંપનીની આવકમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. અગાઉ ઝોમેટોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,581 કરોડ અને ડિસેમ્બર 2021ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 1,200 કરોડની સરખામણીમાં રૂ. 1,565 કરોડની એડજસ્ટેડ આવક પોસ્ટ કરી હતી.


Zomatoનો સ્ટોક ઘટ્યો


Zomatoના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સવારના વેપારમાં BSE પર કંપનીનો શેર 1.47 ટકા ઘટીને રૂ. 53.60 થયો હતો. NSE પર તે 1.38 ટકા ઘટીને રૂ. 53.65 પર આવી ગયો છે. દરમિયાન, બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 118.15 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 60,688.07 પર ટ્રેડ કરી રહ્યા હતા.